અગમનિગમ કૈં ઝળકે રે!

પંચમ શુક્લ

લખતર, લખપત કે હો લંડન, અલખ-લખણ કૈં ઝળકે રે!

ફજરફાળકે રીડિયારમણે ગવન કવન કૈં ઝળકે રે!

સહજ, સરળ સહુ સૂણીસૂણીને ચીકટ રસાનુભવમાં રસબસ,

સાક્ષર એવમ્ સ્વાંત નિરક્ષર ઇસમ કિસમ કૈં ઝળકે રે!

ભાવકોષથી ભર્યાંભાદર્યાં વિશ્વનિવાસીને વરવા

ભોજન, જલસા અને ડાયરા પળ પ્રતિપળ કૈં ઝળકે રે!

શુકરાય, ધરમસુર, મુસાભાઈના ઉરમાં અપરંપાર કરુણા,

પંચકોટિનું દ્રવ્ય સમર્પણ, કરમ ધરમ કૈં ઝળકે રે!

તક્રમંથને નવનીત, ઘૃત, દીપજ્યોત તમસને અજવાળે,

નવ્ય, પુરાતન નીંગઠ ગઠતાં અગમનિગમ કૈં ઝળકે રે!

19/8/2017

Advertisements

લોચન કરીને બંધ

♥ પંચમ શુક્લ

લોચન કરીને બંધ એ જ્યાં લાલ થઈ ગયાં,
દરિયો આલિંગતી નદીનું વ્હાલ થઈ ગયાં.

એ ચોતરફથી એવા માલામાલ થઈ ગયાં,
જાણે કે ગુલમહોર તણો ફાલ થઈ ગયાં.

શ્વાસોનાં પૂરને અધરથી ખાળવાં છતાં,
અત્તરથી તરબતર કોઈ રૂમાલ થઈ ગયાં.

ધબકારા હૃદયના વધીને એટલા વધ્યા,
તોખાર અંગેઅંગના રેવાલ થઈ ગયા.

સંકોરી લઈને સઘળું ભીતર મોજ માણતાં,
લોકોને મન એ કાચબાની ઢાલ થઈ ગયાં.

૨૦૦૮ થી ૨૦૧૧ વચ્ચેની રચના

છાયા

♥ પંચમ શુક્લ

કોઈ દેખે હિજાબની છાયા,
કોઈ પેખે શબાબની છાયા!

રાખીને ફૂલછાબે ધંતૂરો,
માણવાની ગુલાબની છાયા!

જાગૃતિની જ રમ્ય તંદ્રાનું,
નામ બીજું શરાબની છાયા!

જાગવા પણ ન દે ન સૂવા દે,
પુષ્ટ વક્ષાળી ખ્વાબની છાયા!

શિર ઉપર આસમાની ચામર ને,
કોણી હેઠળ તુરાબની છાયા!

એક નળિયું ને એક ચાંદરણું,
રાતભર બસ જનાબની છાયા!

એક ક્ષણની “આપ-લે”નો વિનિમય ને,
ઉમ્રભરના હિસાબની છાયા!

[છાયા- છાંયો, પડછાયો, એકંદર સ્વરૂપ, અસર, છાપ, ઓથ, વળગાડ
તુરાબ – જમીન]

2009-2014

બંદિશ ગીતિ

પંચમ શુક્લ

લીલું લીલું-લીલું, લીલું લીલું-લીલું!
લીલું લીલું બગીચાનું ઘાસ ગમે,
પતંગિયા ઊડે ઊડાઊડ કરે,
ઓસ ઓસરી ભાત પાંખ ભરે,
વાયુ ગેલ કરી સાથ સાથ રમે!

૪ – ૨ – ૨૦૧૭

ગતિશીલ વિશ્વ

♥ પંચમ શુક્લ
 
પડ્યા પડ્યા પથ્થર પ્રસરે!
બુંદ બુંદ કાસાર છલે!
 
ચડે ઊતરે તાડ વધે,
સ્થિર ઊભા વડલા વિસ્તરે!
 
ક્ષણે ક્ષણે જલ મીન સરે,
અહર પ્રહર બગલા ઝડપે!
 
રંગ રંગ બસ પીઠ પરે,
ગાય ગગનની સાંજ ચરે!
 
એક ઠરે ને એક તપે,
ધરતીના બેઉ ગાલ ગમે!
 
15/4/2013

મિચ્છામિ દુક્કડમ

♥ પંચમ શુક્લ

ઓણ સાલની પૂરી થઈ છે બાઝાબાઝી,
આવ પતાવટમાં કરી લઈએ માફામાફી.

બે’ક ઘડીની ઊજવી લઈએ સારાસારી,
મન છટકે કે પાછા કરીએ મારામારી.

મૌન રહીને થૂંક ગળીને અપવાસી થઈ,
અઠ્ઠઈ ઊતરે વહોરી લઈએ ચાખાચાખી.

ગાયની ફરતે ગૌરવ ગાને ગરબા લેતા,
ક્રમણ-ભ્રમણમાં ખેલી લઈએ લાતાલાતી.

દસે દિશાના અંબર વીંટી પરવરીએ ને,
ભરી બજારે મચવી દઈએ નાસાનાસી.

4/9/2016

મિચ્છામિ દુક્કડમ – मिथ्या मे दुष्कृतम्  – મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. પરસ્પર માફી માગતાં બોલાય છે.

પતાવટ – તોડ, સમાધાન

વહોરવુ – અન્નની ગોચરી કરવી, સંઘરવું., સ્વીકારવું, માથે જોખમ લેવું

ખેલવું – શિકાર કરવો, જુગાર રમવો, યુક્તિ કે પ્રપંચથી કાર્ય કરવું, ક્રીડા કરવી, તમાસો કરવો, ભૂતની અસરથી કોઇનું માથું ડોલવું

મચવવું – ‘મચવું’નું પ્રેરક – ભરચક દશામાં થવું, લડાઈમાં કોઈની સામા મંડ્યા રહેવું, તાનભેર ચાલી રહેવું કે લાગુ રહેવું, છવાઈ જવું, ફેલાવું,

દિગંબર – દિશાઓરૂપી વસ્ત્રવાળું, નગ્ન.

પરવરવુ – ચાલતાં નીકળવું, સિધાવવું (પગથી)

નોંધઃ આ પદ્યને બૃહદ લૌકિક, સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં ઉકેલવા વિનંતિ.

માને માથે શોકય આણે

♥ પંચમ શુક્લ

એક મૂઠી જોડણી,
ખાંડી એક એના ધણી.

આમ પંપાળે હળુ,
આમ લે ચૂંટી ખણી.

ખેડમાં ખાતર ભરે,
ખાલી રાખે ઓરણી.

ગામને વહેંચે ગરથ,
ગાંઠ વાળી ને ગણી.

મા-ને માથે શોકય આણે,
પારકી મા-એ જણી.

જૂન ૨૦૦૭

– નેટ પર ચગેલા ઊંઝા-જોડણી-પ્રચારના અતિરેકની સામે એક હળવી  કૃતિ.

ગામ આખું ગઝલના ચાળે છે!

♥ પંચમ શુક્લ

ડોઢડાહ્યો બસ એજ ન્યાળે છે,
ગાંડપણ કોના કોના ફાળે છે?

શબ્દ ચટકે હરેક રુંવાડે,
મૌન સંપૂર્ણ આમ એ પાળે છે!

હાથ એક એનો ટંકશાળે છે,
થોડો નવરો બીજો કપાળે છે. 

નાની નાગણ શી વાધરી પગમાં,
દંશ દીધા વિનાય ઢાળે છે.

થઈ ગયાં ખેતરો ખળાં જંગલ,
ગામ આખું ગઝલના ચાળે છે!

21/3/2013

જીન ઉવાચ …

♥ પંચમ શુક્લ

ઢોર વિચારે ઢાંખર એટલે શું?
કંકર પણ ક્યે શંકર એટલે શું?

ગર્દભ ઘોડું ને ઘોડુ ગધેડું-
સમજાણું; પણ ખચ્ચર એટલે શું?

પડ્યો પવન ફુગ્ગા ને પાંદડાને-
પૂછે
છે કે અધ્ધર એટલે શું?

એક હાકોટે શબ્દ બેલડી થઈ-
મૂંગી; પણ ક્યેઃ મંતર એટલે શું?

ણવકાર ભણી કાઉસગ્ગને ક્ષણ-
જીન ઉવાચઃ પુષ્કર એટલે શું?

૧૩-૦૨-૨૦૧૦

બંધન

 પંચમ શુક્લ 

ગરજવાનને અક્ક્લ સાથે બાંધી દીધો,
ગાંધીવાદીને ખદ્દર સાથે બાંધી દીધો!

‘અણુ અણુમાં વ્યાપ્ત’ કહી ઉઘાડે છોગ,
વિશ્વંભરને પથ્થર સાથે બાંધી દીધો!

આંગળીઓએ રમત રમીને કેવો લપેટ્યો?
અંગૂઠાને ચપ્પલ સાથે બાંધી દીધો!

ચપરાસી શો ચાંપ દબાવી ફરતો રાખ્યો, 
પવન-જનકને છપ્પર સાથે બાંધી દીધો!

વરસો સુધી  ભટકાયાનું યાદ અપાવે,
ઘોબો કેવો ટક્કર સાથે બાંધી દીધો !?

૧૦/૫/૨૦૧૦