♥ પંચમ શુક્લ
ઓણ સાલની પૂરી થઈ છે બાઝાબાઝી,
આવ પતાવટમાં કરી લઈએ માફામાફી.
બે’ક ઘડીની ઊજવી લઈએ સારાસારી,
મન છટકે કે પાછા કરીએ મારામારી.
મૌન રહીને થૂંક ગળીને અપવાસી થઈ,
અઠ્ઠઈ ઊતરે વહોરી લઈએ ચાખાચાખી.
ગાયની ફરતે ગૌરવ ગાને ગરબા લેતા,
ક્રમણ-ભ્રમણમાં ખેલી લઈએ લાતાલાતી.
દસે દિશાના અંબર વીંટી પરવરીએ ને,
ભરી બજારે મચવી દઈએ નાસાનાસી.
4/9/2016
મિચ્છામિ દુક્કડમ – मिथ्या मे दुष्कृतम् – મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. પરસ્પર માફી માગતાં બોલાય છે.
પતાવટ – તોડ, સમાધાન
વહોરવુ – અન્નની ગોચરી કરવી, સંઘરવું., સ્વીકારવું, માથે જોખમ લેવું
ખેલવું – શિકાર કરવો, જુગાર રમવો, યુક્તિ કે પ્રપંચથી કાર્ય કરવું, ક્રીડા કરવી, તમાસો કરવો, ભૂતની અસરથી કોઇનું માથું ડોલવું
મચવવું – ‘મચવું’નું પ્રેરક – ભરચક દશામાં થવું, લડાઈમાં કોઈની સામા મંડ્યા રહેવું, તાનભેર ચાલી રહેવું કે લાગુ રહેવું, છવાઈ જવું, ફેલાવું,
દિગંબર – દિશાઓરૂપી વસ્ત્રવાળું, નગ્ન.
પરવરવુ – ચાલતાં નીકળવું, સિધાવવું (પગથી)
નોંધઃ આ પદ્યને બૃહદ લૌકિક, સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં ઉકેલવા વિનંતિ.
9 Comments
હંમેશની જેમ સાંપ્રત સમયે યોગ્ય સુંદર વ્યંગ રચના
માણતા યાદ આવે અહિંસા, વ્યાકરણ, અદ્વિતીય જૈન શિલ્પસ્થાપત્ય, ગણિત, દેહદમન, ઉપવાસ, કૈવલ્ય, નવકારમંત્ર, સંથારો…મરવાની મહાન રીત! શરીર વ્યંજન આત્મા સ્વર -વ્યંજનથી સ્વર અલગ કરવાની વાત.
જ્ઞાનીને નિર્જરા થાય પેય અપેય, કર્તવ્ય અકર્તવ્ય, સેવ્ય અસેવ્ય, હિત અહિત, લોક અલોક, સત્ય અસત્ય, દ્રવ્ય અદ્રવ્ય, કારણ કાર્ય, જ્ઞાન જ્ઞેય, સમ્યક્ અસમ્યક્, સ્વભાવ પરભાવ, જ્ઞાનમાં શ્રદ્ધા-શાસ્ત્રની અને ગુરુવચનની સત્યબુદ્ધિથી નિશ્ચયપૂર્વક ધારણ કરવાની સ્થિતિ.મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને અવધિજ્ઞાન અશુદ્ધ હોય તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાન કહેવાય છે.‘આત્મવીર્યોલ્લાસ’ ‘અનભિગ્રહીક’ ઈરિયાવહિયં સૂત્રના અર્થો તપથી સમજાય-અનુભવાય
જીવોની વિરાધના-અને જીવો- એક ઈન્દ્રિયવાળા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય, બે ઈન્દ્રિયવાળા -કૃમિ, શંખ, અળસિયાં આદિ,ત્રણ ઈન્દ્રિયવાળા જૂ, માંકડ, કીડી વગેરે, ચાર ઈન્દ્રિયવાળા વીંછી, ચાંચડ, ભમરી, તીડ વગેરે અને પાંચ ઈન્દ્રિયવાળા નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. અને તિર્યંચમાં પણ જળચર, સ્થળચર અને ખેચર) જીવોને વિરાધ્યા હોય તો એ પાપ મિથ્યા થાઓ-
અને આ વાંચતા
દસે દિશાનાં અંબર વીંટી નીકળ્યા તો પણ,
ભરી બજારે મચી ગઈ છે નાસાનાસી.
યાદ આવ્યું…
પ પૂ તરુણ સાગરજી મહારાજે હરિયાણા વિધાનસભામાં સંબોધન કર્યુ હતુ. તરુણ સાગરજી મહારાજ દિગંબર જૈન મુનિ હોવાથી વિશાલ દદલાણીએ ટ્વીટ પર કટાક્ષ કર્યો હતો કે જે લોકો પોતે કપડા નથી પહેરતા તે કહી રહ્યા છે કે મહિલાઓએ કેવા વસ્ત્રો પહેરવા જોઈએ. હરિયાણાની ભાજપ સરકાર પર કટાક્ષ કરતા દદલાણીએ કહ્યું હતુ કે જો તમે આવા લોકોને વોટ આપશો તો આ પ્રકારના બેહુદા બકવાસ(તરૃણ સાગરજી મહારાજના પ્રવચન)ને પ્રોત્સાહીત કરનારા સરકાર ચલાવશે… આ અચ્છે દિન નહી પરંતુ કચ્છે દિનની શરૃઆત છે.
અને કહે મિથ્યા મે દુષ્કૃત્યમ્ ! તસ્સમિચ્છામિ દુક્કડં !
“નોંધઃ આ પદ્યને બૃહદ લૌકિક, સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં ઉકેલવા વિનંતિ.”
એક. તમે આ તો સહેલું જ લખ્યું છે – અપંચમી છે!
પણ કવિએ અઘરા કે સહેલા થવાની જરૂર પણ ક્યાં છે? એ તો વ્યક્ત થાય છે.
કવિ સામાજિક સરોકાર ભૂલી જવાનો દંભ કરે ત્યારે ખરેખર તો એ કવિ નથી રહેતો. એના એકદંડિયા મહેલમાં જવાની મહેનત પણ કાં કરું?
આજની સ્થિતિમાં વ્યક્તિગત બાઝાબાઝી અને માફામાફી ‘સરવાળિત’ થઈને જ બને છે કાપાકાપી અને નાસાનાસી. અહીં જોડાય છે વ્યક્તિ અને સમાજ. ઓછા શબ્દોમાં વાસ્તવનું નિરૂપણ.
મિચ્છામિ દુક્કડમ પંચમ શુક્લ તમને
પાણી ગાળીને પિએ અનગળ પિએ લોય
મચ્છરની રક્ષા કરે ઈ માણહ મારા હોય . મિચ્છામિ દુક્કડમ
Very Nice. New thoughts. MICHCHHAMIDUKDAM.
કોમલ વ્યંગયુક્ત સચ્ચાઈ ઉજાગર કરતી ગઝલ . જો સમજો તો ,
આવી ઉમદા રચના તો પંચમદાની કલમ આપી શકે . ફરી ફરી મેં
માણી .
અર્થગૂઢ ગઝલ… તદ્દન સમયોચિત
પંચમ ભાઈ! આ રચના તેમજ ‘માને માથે શોક્ય આણે’ જેવી રચનાઓ લખવી સહેલી નથી, બલ્કે બહુ જ કાબેલિયત અને સૂઝ માગી લે છે. આપે જે રીતે હસતાં હસતાં સ્વીકારવો જ પડે તેવો વ્યંગ માર્યો છે તે મઝાનો છે. આમાં મતભેદ કે વિચારભેદ હોય તો યે વ્યંગને માણવાની સૌએ મઝા લેવી રહી! …
ખૂબ સરસ રચનાઓ… નવોદિત કવિઓએ આવી રચનાઓ તરફ ધ્યાન આપવું જોઈએ …
કવિતાનો ફલક કેટલો વિશાળ હોઈ શકે તે તમે સિધ્ધ કરો છો. અભિનંદન.
આભાર હરીશભાઈ. કેટલા બધા વર્ષો પછી આ રીતે બ્લોગ પર મળ્યા. તમારું લખવાનું કેમ ચાલે છે?
વાહ! પંચમભાઈ .. ખુશી થઈ .. બધું સરસ, મિત્ર! મનગમતી પ્રવૃત્તિઓ કરતા રહી જીવનને સાર્થક કરવું તેવા પ્રયત્નો. પ્રત્યેક ક્ષણને માણવાની મઝા ઑર હોય છે.
આપની ફરિયાદ સાચી છે. ખૂબ વાચન, મનન, ફિલોસોફી – આધ્યાત્મિકતાથી લઈ વિજ્ઞાન, ઇતિહાસ, કલા, સંગીત દરેક ક્ષેત્રમાં ફરતો રહેનારો અલગારી ક્યાંથી દેખાય?
લેખન પ્રવૃત્તિ ચાલુ જ છે..મધુસંચય, અનામિકા…
આમ છતાં આપને મારા લેટેસ્ટ ગુજરાતી બ્લૉગ ‘મુક્તપંચિકા અને લઘુલિકા’ની મુલાકાત લેવા અનુરોધ કરું છું . પ્રતિભાવ જરૂર આપશો.
આભાર !