જીન ઉવાચ …

♥ પંચમ શુક્લ

ઢોર વિચારે ઢાંખર એટલે શું?
કંકર પણ ક્યે શંકર એટલે શું?

ગર્દભ ઘોડું ને ઘોડુ ગધેડું-
સમજાણું; પણ ખચ્ચર એટલે શું?

પડ્યો પવન ફુગ્ગા ને પાંદડાને-
પૂછે
છે કે અધ્ધર એટલે શું?

એક હાકોટે શબ્દ બેલડી થઈ-
મૂંગી; પણ ક્યેઃ મંતર એટલે શું?

ણવકાર ભણી કાઉસગ્ગને ક્ષણ-
જીન ઉવાચઃ પુષ્કર એટલે શું?

૧૩-૦૨-૨૦૧૦

Advertisements

બંધન

 પંચમ શુક્લ 

ગરજવાનને અક્ક્લ સાથે બાંધી દીધો,
ગાંધીવાદીને ખદ્દર સાથે બાંધી દીધો!

‘અણુ અણુમાં વ્યાપ્ત’ કહી ઉઘાડે છોગ,
વિશ્વંભરને પથ્થર સાથે બાંધી દીધો!

આંગળીઓએ રમત રમીને કેવો લપેટ્યો?
અંગૂઠાને ચપ્પલ સાથે બાંધી દીધો!

ચપરાસી શો ચાંપ દબાવી ફરતો રાખ્યો, 
પવન-જનકને છપ્પર સાથે બાંધી દીધો!

વરસો સુધી  ભટકાયાનું યાદ અપાવે,
ઘોબો કેવો ટક્કર સાથે બાંધી દીધો !?

૧૦/૫/૨૦૧૦

 

કેટલામું દિલ્હી?

♥ પંચમ શુક્લ

સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
ગિલેટ જેમ જ ગરી ગયાં સોનેરી નામો જોઈ લો!
ભીમનું ભાણું હળવું કરતો શકુનિ-મામો જોઈ લો! 
તેડું તમાશાનું છે - મૂકી પડતાં કામો - જોઈ લો!
બૂંધિયાળ આડો ઊતરેલો બિલ્લો-ઓબામો જોઈ લો!
"રઘુપતિ રાઘવ..." રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો! 

ખૂલ્લી ચકલી બંધ થશે શું ભડભડ બંબો બૂઝશે? 
આખું કોળું શાક મહીં શું જતાં જતાં યે બચી જશે? 
મુનશી ને કોઠારી જેવો નિપુણ રામો જોઈ લો!
પાણીમાં પતાસાં તળતો ખાનસામો જોઈ લો!
સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
"રઘુપતિ રાઘવ..." રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!

સડસઠ ઉંબર ઠેક્યા કેડે અડસઠ તીરથ જાતરા,
ત્રણનું ત્રેખડ સૂન શિખરનાં રચે ચઢાણો આકરાં,
કાશીને કરવત મેલાવે એવો વિસામો જોઈ લો!
(શું) મફલર બુનનારો કેળવશે હાડચામો ? જોઈ લો! 
સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
"રઘુપતિ રાઘવ..." રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!

11/2/2015

* "નિરીક્ષક", 16 ફેબ્રુઆરી 2015માં પ્રકાશિત 

ps-feb-2015

એ અદીઠ કશું

♥ પંચમ શુક્લ

અદીઠ રૂપ એનું એવું રણઝણાવી જતું,
અમીટ દૃષ્ય, પલક જેમ પટપટાવી જતું.

ઉઘાડાં હોય દિવસ, રાત, બારેમાસ છતાં,
હવાનું ઝોકું બધાં દ્વાર ખટખટાવી જતું.

ધરાને રંધ્ર ટપકતાં ગગનનું વ્હાલ સ્વયં,
આ રોમ રોમ લીલા સ્પંદ લસલસાવી જતું.

હસાવી જાય ઘડીમાં રડાવી જાય વળી,
લઈને ખોળે એનાં એજ થપથપાવી જતું.

કસોટી પણ કરે એ એટલી જ ટાઢકથી,
શરીરે દાહ દઈ દાંત કડકડાવી જતું.

૨/૮/૨૦૦૯

છંદોલય – લગાલ ગાલલગા ગાલગાલ ગાલલગા

પન્નગ

♥ પંચમ શુક્લ

એ ઉપરથી સ્નિગ્ધ, સાલસ, સંત ને સંમોહી લાગે,
શબ્દ પણ એવા પ્રયોજે  કે નગદ નિર્મોહી લાગે.

એ નમે, વંદે, વખાણે- સ્પર્શ પણ કોમળ કરે,
ભોણમાં સરકે કે એનું ભૂરું થાતું લોહી લાગે.

મે ૨૦૧૦

પન્નગ: સર્પ –> પદ્ ( પગ ) + ન ( નહિ/વગર ) + ગ (ગમન કરનાર )

પંડને ચડાવી કાંધ

♥ પંચમ શુક્લ

પગ-પછાડ ઘુરઘુરાટ ને છીંકોટ છીંક,
આંખ ઝીણી, પુચ્છ ઊંચું, ધારદાર ઢીંક.

ભૂત-પ્રેત, ચંડ-મુંડ ઊંધ-મૂંધ ઝીંક,
ત્રાડ પાડ ને ભગાડ બાર ગાઉ બીક.

ફરફરે શિખા, ખભે જનેઉ, હોઠ જાપ,
આ બધાં અમોઘ અસ્ત્ર કે ફકત પ્રતીક?

કર્મકાંડ, ધર્મધાડ, વેવલો વદાડ,
આત્મરાગે રત થવાનો માર્ગ ક્યાં છે ઠીક!

ડગડગે ડગર, પસીને ન્હાય રેબઝેબ,
પંડને ચડાવી કાંધ ચાલતો પથિક!

માર્ચ/એપ્રિલ ૨૦૦૯

છંદોવિધાનઃ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ

કૃતક ગતકડાઓમાં

♥ પંચમ શુક્લ

નિત્ય કૃતક ગતકડાઓમાં સમય બગાડ મા,
માણ રમત, રમકડાઓમાં સમય બગાડ મા.

શ્વાસ ઊંડા લઈ અને તું ફેફસાને તર કરી દે,
કાગઝી આ ફરકડાઓમાં સમય બગાડ મા.

કાં હસી લે ખડખડાટ, કાં મૂકી દે પોક તું,
હોઠ-બીડ્યાં-મરકડાઓમાં સમય બગાડ મા.

રોજ રચે છે સમાજ એક નવી વિટંબણા,
શીખ લઈ લે, સબકડાઓમાં સમય બગાડ મા.

છે જ સુખનવર ભલા તું વ્યર્થ ના ઉડાડ થૂંક,
તર્ક પીતા તરકડાઓમાં સમય બગાડ મા.

૧૭/૭/૨૦૦૯

છંદોવિધાનઃ ગાલલગા ગાલગાલ ગાલગાલ  ગાલગા

વાત કરું શું?

♥ પંચમ શુક્લ 

કણ થઈ મણની વાત કરું શું?
મહેરામણની વાત કરું શું?  

 મકર સૂર્યને ગ્રસી રહ્યો છે,
ઉત્તરાયણની વાત કરું શું?

વાત, પિત્ત ને કફના નભમાં,
વાતાવરણની વાત કરું શું? 

કાર્ય અને કારણનો બંદી,
નિષ્કારણની વાત કરું શું? 

ટીપે ટીપે ભરાઉં છું જ્યાં,
ઉત્સારણની વાત કરું શું? 

પાંચ આંગળીઓ ને છ અક્ષર ,
હસ્તાયણની વાત કરું શું? 

અંગ ચડ્યો નથી હજી અનુષ્ટુપ,
રામાયણની વાત કરું શું? 

પલકારાનો પાર ન પામું,
પારાયણની વાત કરું શું? 

દધીચિના હું નગરનો વાસી,
નિજ અર્પણની વાત કરું શું? 

અનન્યતાનો અપૂર્વ ઉદ્ભવ,
ઉદાહરણની વાત કરું શું? 

16/2/2013
 

ધૂણો ધખધખે દિગંતનો

♥ પંચમ શુક્લ

ધૂણો ધખધખે દિગંતનો;
કિયા રે આકાશી મહંતનો?
ધૂણો ધખધખે દિગંતનો!

ધૂણો ભમ્મર ગોટા કાઢે;
ધૂણો ડમ્મર ગોટા કાઢે;
ઢાંકે અંબર રાખ રાખોડી..

વાદળનું દળકટક ખાંગું;
એક ફલાંગે લે પલાણી;
વીજ હાવળતી ઘોડી..

વરસે તડતડાટ અનંતનો!
ધૂણો ધખધખે દિગંતનો !

ફેબ્રુઆરી ૨૦૧૦

વિધુરની તંદ્રા

♥ પંચમ શુક્લ

હસી-ખુશીની યાદ સતત સંભારું!
વરસોના સરવૈયા અંતે નકરું છે ઉજિયારું!
કદીકદીની વડછડ વીસરી મૌન મગન મલ્હારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે મૂકો ઍલાર્મ અને હું પહેલા રણકે જાગું;
દાતણ પાણી સંજવારીને ચા’ નો પ્યાલો માગું,
પણ એ પહેલાં બાથમાં લઈ લઉં ભીનું પાણિયારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે બનાવો રસોઈ ને હું વાસણ ધોઈ નાખું;
કદીક જો કંઈ ખારું લાગે, સાકર થઈને ચાખું,
છણકાઓની છીલ કરીને જન્મારો શણગારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે દેવના દીધેલ માગો અને હું આખર માનું;
રમ..કડાથી હોય છલોછલ ઘરનું ખાને ખાનું,
તમે અડાડો કદીક ટપલી, હું હેતે પસવારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે મગાવો ગુલાબ ને હું વેણી પણ લઈ આવું;
પાઈપાઈનો હિસાબ ગણતી વખતે એ ગુપચાવું,
એકમેકમાં ભળી જવાનું ઉજવણું સહિયારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે અચાનક ચાલી નીકળો ઘરને રાખી રેઢું;
વગર કૂંચીના જીવતર ઉપર દઈને તાળું ટેઢું,
રાતદિવસ થઈ ઉંદર ખોદું નિજ-ઉર દર પરબારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

૪/૯/૨૦૧૧