અઇ ભામિની !

♥ પંચમ શુક્લ

અથડાતી ને કૂટાતી તું કેમ હોય છે?
ઠોકર પર ઠોકર ખાતી તું કેમ હોય છે?

ભવાટવિના ભેદભરમ, ના કોઈ ભોમિયો, 
ભોળે ભાવે ભરમાતી તું કેમ હોય છે?

લજામણીની સાથે રમવા સહુ કોઈ આવે,
ઊઘડ્યા ભેગી બીડાતી તું કેમ હોય છે?

પરી, પદમણી લોકવાયકા માત્ર મોહિની,
અન્યરૂપથી અંજાતી તું કેમ હોય છે?

બહુવિધ કાજ કરે એક સાથે બહુરૂપી થઈ,
બ્રહ્માને ના દેખાતી તું કેમ હોય છે?

13/5/2018

પરસાદી પેડા

♥ પંચમ શુક્લ

સતર્ક રહીને ખાવા એ પરસાદી પેડા,
મધુપ્રમેહને વકરાવે એવા ના કરવા ચેડા.

શરીર જેમજ મગજ ઊપરનો મેદ જશે શું?
વિદ્યાપન ને વિજ્ઞાપનનો ભેદ જશે શું?
પથ્યાપથ્ય વિચારી કરવા આસન વાંકાં-ટેડાં!

સતર્ક રહીને ખાવા એ પરસાદી પેડા,
મધુપ્રમેહને વકરાવે એવા ના કરવા ચેડા.

નીચાજોણું ભક્તોની શું આંખો વેઠે?
મળે ગગનમાં વિહરવાનું પાંખો પેઠે?
કદી વિચાર્યું કેમ ઊંચા સંતોના મેડી-મેડા?

સતર્ક રહીને ખાવા એ પરસાદી પેડા,
મધુપ્રમેહને વકરાવે એવા ના કરવા ચેડા.

11/06/2020

ગઝલને ‘સ્વસ્તિ’ દેનારા

♥ પંચમ શુક્લ

ગઝલને ‘સ્વસ્તિ’ દેનારા, ગઝલ જેવું કહી તો જો !
બદી શોધ્યા કરે સૌની, બદી તારી કદી તો જો!

પીગળતાં મીણને અડકી સફેદીથી ન આઘો જા, 
બરફનું ચોસલું આપું, જરા એને અડી તો જો!

ભયંકર ભીડમાં ભીંસાય છે એ જણને ખાતર પણ,
ધકેલી જાતને તારી, તરફ એની ધસી તો જો!

ધમણની જેમ હાંફે છે વિતંડાવાદમાં જાહિલ,
ઘડીભર શાંત રહીને નામ તું એનું સ્મરી તો જો!

નમાવવાને બધાને હોય છે પ્રવૃત્ત તું કાયમ,
નઠારો એ નિયમ તોડી બીજાને તું નમી તો જો!

27/8/2109

૪૩મી વર્ષગાંઠે

♥ પંચમ શુક્લ

તમે પાઠવેલી શુભેચ્છા મળી છે,
અસર લાગણીની હૃદયમાં ભળી છે.

ગણતરી ગણિતની મજા છે ઓ મિત્રો!
જીવન જીવવાની મહેચ્છા ફળી છે.

અકાળે ઢળ્યાં છે અકડ ડેન્ડેલાયન,
વિનત રહી ટકી ડેફોડિલની કળી છે.

હવે ચશ્મે-બુલબુલ બની નગ્મ ગાશું,
ઝીણું ઝાંખવાને આ નજરો ઢળી છે.

તમે મીણબત્તી ધરો હું લખી લઉં,
ગઝલ કેકથી પણ વધારે ગળી છે.

૨૪/૪/૨૦૧૮

ચશ્મે-બુલબુલઃ ઓછી નજર વાળું, ઓછું જોતું, આંધળું
નગ્મોઃ મધુર સ્વર, મીઠો અવાજ, સૂરીલું ગાન
ઝાંખવુંઃ ઝીણી આંખ કરી તાકીને જોવું; ભાવપૂર્વક જોવું; ઝાંખી કરવી.

ઊજવું વિલાયતમાં હોલી…

♥ પંચમ શુક્લ

વિલાયતમાં હોલી…
ઊજવું વિલાયતમાં હોલી!

સ્મૃતિમંજૂષા ખોલી ચૂંટું
પલાશ, કિંશુક, કેસૂ, કેસર;
સીંચું શ્વાસ તણું જલ
સરર સરર સર,
પલ પલ આંખ-મિચૌલી
ખીલે રોમ રોમ રંગોલી!
વિલાયતમાં હોલી….
ઊજવું વિલાયતમાં હોલી!

ડૅફૉડિલનું પીત-વસન ને
ચેરીની ચારુ લજ્જાને
હિમસંપુટમાં ઘોલી,
વિલાયતમાં હોલી…
ઊજવું વિલાયતમાં હોલી!

તાપું અંગરેજ શી તડતડ બોલી;
રંગું રંગરેજ થઈ વાચા-ચોલી,
વિલાયતમાં હોલી…
ઊજવું વિલાયતમાં હોલી!

19/3/2011

અગમનિગમ કૈં ઝળકે રે!

પંચમ શુક્લ

લખતર, લખપત કે હો લંડન, અલખ-લખણ કૈં ઝળકે રે!
ફજરફાળકે રીડિયારમણે ગવન કવન કૈં ઝળકે રે!

સહજ, સરળ સહુ સૂણીસૂણીને ચીકટ રસાનુભવમાં રસબસ,
સાક્ષર એવમ્ સ્વાંત નિરક્ષર ઇસમ કિસમ કૈં ઝળકે રે!

ભાવકોષથી ભર્યાંભાદર્યાં વિશ્વનિવાસીને કોઠે,
ભોજન, જલસા અને ડાયરા પળ પ્રતિપળ કૈં ઝળકે રે!

શુકરાય, ધરમસુર, મુસાભાઈના ઉરમાં અપરંપાર કરુણા,
પંચકોટિનું દ્રવ્ય સમર્પણ, કરમ ધરમ કૈં ઝળકે રે!

તક્રમંથને નવનીત, ઘૃત, દીપજ્યોત તમસને અજવાળે,
નવ્ય, પુરાતન નીંગઠ ગઠતાં અગમનિગમ કૈં ઝળકે રે!

19/8/2017

લોચન કરીને બંધ

♥ પંચમ શુક્લ

લોચન કરીને બંધ એ જ્યાં લાલ થઈ ગયાં,
દરિયો આલિંગતી નદીનું વ્હાલ થઈ ગયાં.

એ ચોતરફથી એવા માલામાલ થઈ ગયાં,
જાણે કે ગુલમહોર તણો ફાલ થઈ ગયાં.

શ્વાસોનાં પૂરને અધરથી ખાળવાં છતાં,
અત્તરથી તરબતર કોઈ રૂમાલ થઈ ગયાં.

ધબકારા હૃદયના વધીને એટલા વધ્યા,
તોખાર અંગેઅંગના રેવાલ થઈ ગયા.

સંકોરી લઈને સઘળું ભીતર મોજ માણતાં,
લોકોને મન એ કાચબાની ઢાલ થઈ ગયાં.

૨૦૦૮ થી ૨૦૧૧ વચ્ચેની રચના

છાયા

♥ પંચમ શુક્લ

કોઈ દેખે હિજાબની છાયા,
કોઈ પેખે શબાબની છાયા!

રાખીને ફૂલછાબે ધંતૂરો,
માણવાની ગુલાબની છાયા!

જાગૃતિની જ રમ્ય તંદ્રાનું,
નામ બીજું શરાબની છાયા!

જાગવા પણ ન દે ન સૂવા દે,
પુષ્ટ વક્ષાળી ખ્વાબની છાયા!

શિર ઉપર આસમાની ચામર ને,
કોણી હેઠળ તુરાબની છાયા!

એક નળિયું ને એક ચાંદરણું,
રાતભર બસ જનાબની છાયા!

એક ક્ષણની “આપ-લે”નો વિનિમય ને,
ઉમ્રભરના હિસાબની છાયા!

[છાયા- છાંયો, પડછાયો, એકંદર સ્વરૂપ, અસર, છાપ, ઓથ, વળગાડ
તુરાબ – જમીન]

2009-2014

બંદિશ ગીતિ

પંચમ શુક્લ

લીલું લીલું-લીલું, લીલું લીલું-લીલું!
લીલું લીલું બગીચાનું ઘાસ ગમે,
પતંગિયા ઊડે ઊડાઊડ કરે,
ઓસ ઓસરી ભાત પાંખ ભરે,
વાયુ ગેલ કરી સાથ સાથ રમે!

૪ – ૨ – ૨૦૧૭

ગતિશીલ વિશ્વ

♥ પંચમ શુક્લ
 
પડ્યા પડ્યા પથ્થર પ્રસરે!
બુંદ બુંદ કાસાર છલે!
 
ચડે ઊતરે તાડ વધે,
સ્થિર ઊભા વડલા વિસ્તરે!
 
ક્ષણે ક્ષણે જલ મીન સરે,
અહર પ્રહર બગલા ઝડપે!
 
રંગ રંગ બસ પીઠ પરે,
ગાય ગગનની સાંજ ચરે!
 
એક ઠરે ને એક તપે,
ધરતીના બેઉ ગાલ ગમે!
 
15/4/2013