કુંડલિનીને કારણે

♥ પંચમ શુક્લ

રોજ ફરું છું ગોળ ગોળ ને ચકરાઉં છું સર્પાકારે,
શ્વાસે શ્વાસે કોક નિસરણી રોજ ચડું છું સર્પાકારે.

સૂર્ય-કિરણના અવિકલ પથ પર દોડી દોડી મુશકદોડમાં,
રાત કરંડિયે કળતર વીંટી અમળાઉં છું સર્પાકારે.

રાડો, ગાળો, બૂમરાણ ને કાગારોળે કચવાતો રહી,
કાન વગરના કર્કશ ચાઠા થઈ ઊપસું છું સર્પાકારે.

રોડવતો રહું ધંધાપાણી કે ઘૂમરડું ઘરની ઘાણી,
કડવા ઘૂંટડા ગળી ગળીને ફુત્કારું છું સર્પાકારે.

અનંત, કુલિક ને વાસુકિથી કર્કોટક થઈ શેષ થવામાં,
કાલસર્પના શિર્ષ-પુચ્છમાં અટવાઉં છું સર્પાકારે.

કમઠપીઠ પર ડગડગ ડોલી નિત્ય હજારો નૃત્ય રચું છું,
ષડરિપુથી ષડચક્કરને હંફાવું છું સર્પાકારે.

૫/૬/૨૦0૯

અવિકલ: એકે કલા ખંડિત ન થઈ હોય એવું; અખંડ; પૂર્ણ

રાહુ(શિર્ષ) અને કેતુ(પુચ્છ)ના સ્થાન મુજબ કાલસર્પયોગના બાર પ્રકાર છે:

અનંત, કુલિક, વાસુકિ, શંખપાલ, પદ્મ, મહાપદ્મ,  તક્ષક, કર્કોટક, શંખચૂડ, ઘાતક,  વિષધર  અને શેષનાગ.

કમઠ: કાચબો


10 Comments

 1. dhavalrajgeera
  Posted નવેમ્બર 1, 2012 at 12:09 એ એમ (am) | Permalink

  અનંત, કુલિક ને વાસુકિથી કર્કોટક થઈ શેષ થવામાં,
  કાલસર્પના શિર્ષ-પુચ્છમાં અટવાઉં છું સર્પાકારે.

 2. ધવલ સુધન્વા વ્યાસ
  Posted નવેમ્બર 1, 2012 at 12:43 એ એમ (am) | Permalink

  વાહ, જ્યોતિષ વિદ્યા અને કવિતાનો આવો સુમેળ પહેલા જોયો નથી. કુંડળી અને કુંડલિની, આ હા….

 3. pragnaju
  Posted નવેમ્બર 1, 2012 at 1:17 એ એમ (am) | Permalink

  કમઠપીઠ પર ડગડગ ડોલી નિત્ય હજારો નૃત્ય રચું છું,
  ષડરિપુથી ષડચક્કરને હંફાવું છું સર્પાકારે.
  ખૂબ સુંદર
  મૂળાધારા,સ્વાધિસ્થાન,મણીપુર ,અનાહટા,વિશુદ્ધ,સહશ્રરા ચક્રો સર્પાકારે ચઢવા ષટરિપુ કામ ક્રોધ મોહ લોભ, મદ મત્સર ને આર્તનાદથી અને આર્દ્રતાભરી પ્રાર્થના થતાં પેલા શત્રુઓની હાર થાય છે અને આપણામાં શ્રીભગવાન કે આત્માનો પ્રકાશ વધુ તેજસ્વી થાય છે. આ બધા જ ધર્મોની મૂળ વાત તંત્રમા જે રીતે વર્ણવી તેની આ રચનામા
  અદભૂત રીતે વર્ણવી અને આપણી કુંડળી માં રાહુ અને કેતુ ની વચ્ચે બધા જ ગ્રહો આવી જાય, તેને કાલ સર્પ યોગ કહેવાય. કાલ સર્પ યોગ થવા થી વ્યક્તિ ના કાર્ય જલ્દી થતા નથી, કાર્યો માં રુકાવટ આવે છે. ઘણી બધી અડચણો આવે છે આ વાત પણ સ રસ વર્ણવી

 4. Dhrutimodi
  Posted નવેમ્બર 1, 2012 at 2:49 પી એમ(pm) | Permalink

  જ્યોતિષનિ વાતને ગઝલમાં સરસરીતે વણી લીધી ચે. ખૂબ સરસ

 5. kishoremodi.
  Posted નવેમ્બર 1, 2012 at 8:03 પી એમ(pm) | Permalink

  માનવજાત કદાચ અા રીતે જ જીવી રહી છે.

  રોડવતો રહું ધંધાપાણી કે ઘૂમરડું ઘરની ઘાણી,
  કડવા ઘૂંટડા ગળી ગળીને ફૂત્કારું છું સર્પાકારે.
  તો વળી બધાં ગ્રહો રાહુ કેતુની વચ્ચે અાવી જતા થતો કાળસર્પ દોષ સરસ પંક્તિમાં દર્શાવ્યો છે.

  અનંત,કુલિક ને વાસુકિથી કર્કોટક થઇ શેષ થવામાં,
  કાલસર્પના શિર્ષ-પુચ્છમાં અટવાઉં છું સર્પાકારે.

  સુંદર ઉપમાથી શોભતી ગઝલ.

 6. himanshupatel555
  Posted નવેમ્બર 1, 2012 at 11:15 પી એમ(pm) | Permalink

  સરસ નવો વિષય પહેલાં આ રીતે ન સ્પર્શાયેલો ગમ્યું.આ ખાસ
  રોજ ફરું છું ગોળ ગોળ ને ચકરાઉં છું સર્પાકારે,
  શ્વાસે શ્વાસે કોક નિસરણી રોજ ચડું છું સર્પાકારે.

 7. yuvrajjadeja
  Posted નવેમ્બર 7, 2012 at 10:36 એ એમ (am) | Permalink

  ખુબ ગમ્યું આ કાવ્ય

 8. Sudhir Patel
  Posted નવેમ્બર 11, 2012 at 2:53 પી એમ(pm) | Permalink

  Very nice Gazal crafted out of unique subject matter!
  Sudhir Patel.

 9. વિવેક
  Posted નવેમ્બર 28, 2012 at 5:53 એ એમ (am) | Permalink

  સુંદર !

  લાક્ષણિક પં.શુ. શૈલી !

 10. દક્ષેશ કોન્ટ્રાકટર
  Posted ફેબ્રુવારી 17, 2013 at 7:14 પી એમ(pm) | Permalink

  કુંડલિની જેવા વિષય પર કાવ્ય રચવાની હિંમત તમે જ કરી શકો …


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: