ખેચરી

♥ પંચમ શુક્લ

લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું,
મંથર ગતિએ આભને વિમાન ખેંચતું.

સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં,
સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું.

છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ,
આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું.

ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર,
મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું !

૧૭/૫/૨૦૧૧

મંથર- મંદ, સુસ્ત; પ્રસ્વેદ – પરસેવો;  વિદેહી- અશરીરી, મૃત મોહપાશથી મુક્ત થયેલુ

બસ-bus; ટાઈ-tie; આઈફોન-iPhone; સ્ટોકિંગ-stocking; ડેઈઝી- daisy

નોંધ: આ કાવ્ય/ગઝલનો છંદોલય જે ગણગણાટ સાથે અવતર્યો છે એ રીતે જ રાખ્યો છે. જુદા જુદા મિસરાઓમાં ગાગા લગા લગાલ લગાગા લગા લગા કે એ પ્રકારના વજન સાથે અનુસંધાન સાધતા ટુકડાઓનો કે વજન પરિવર્તનોનો આછો ધ્વનિ પકડાય પણ ખરો.

Advertisements

55 Comments

 1. bharat trivedi
  Posted માર્ચ 1, 2012 at 12:26 એ એમ (am) | Permalink

  લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું,
  મંથર ગતિએ આભને વિમાન ખેંચતું.

  મને ત્રીજો શેર બહુ ના ભાવ્યો. કાલે સવારે અમદાવાદ જવા નીકળું છું એથી તે શેરને પકડવામાં જરા ઉતાવળ થઈ ગઈ હોય તેમ પણ હોય બાકી ગઝલ ફાંકડી છે તે વિષે જરા પણ શંકા નહીં.

 2. Posted માર્ચ 1, 2012 at 2:01 એ એમ (am) | Permalink

  છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ,
  આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું.
  અને ….
  ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર,
  મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું !

  આખી યા રચના સુંદર છે પણા આ બે પંકતિઓ વધારે ગમી…..

 3. Posted માર્ચ 1, 2012 at 2:02 એ એમ (am) | Permalink

  ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
  ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 4. Posted માર્ચ 1, 2012 at 3:21 એ એમ (am) | Permalink

  વાહ પંચમદા સાવ સરળ ગઝલ લખી અને અર્થસભર….હા એક બે જગાએ મૈ વજનમા પરિવર્તન જોયું..
  ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
  ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું આલાઇન ખૂબ ગમી..આભાર

 5. pragnaju
  Posted માર્ચ 1, 2012 at 5:58 એ એમ (am) | Permalink

  હઠયોગની એક મૂદ્રા ખચેરી
  આ મુદ્રા માટે ઉત્કટ આસનમાં બેસવું.પોતાની જીભના જડબાથી મીઠાના ગાંગડાને તોડવાનો પ્રયત્ન કરવો. દરરોજ સવારે અંગૂઠો અને તર્જની દ્વારા જીભને આગળ તરફ લાવવી. ત્યારબાદ જીભ પર ત્રિફળા ચૂરણ લગાવવું. આ ક્રિયા કરીને જ્યાં સુધી જીભ લાંબી રહે ત્યાં સુધી નાક, ભ્રમર અને મસ્તિષ્કને સ્પર્શવાનો પ્રયત્ન ના કરવો. આ કામમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી. તેનો અભ્યાસ ઓછામાં ઓછો 6 મહિના સુધી કરવો.
  આ ક્રિયા પૂર્ણ કર્યા બાદ જ્યારે જીભ લાંબી થાય ત્યારે અને તે મસ્તિષ્ક સુધી પહોંચવા લાગે ત્યારે જે આસન તમે સિદ્ધ કર્યું હોય તેને ગળાની અંદર તરફ ઝુકાવવાનો પણ પ્રયત્ન કરવો. આ અભ્યાસ સવારે અને સાંજે કરવો. આ રીતે જીભને પિંગળા નાડી સાથે જોડવાથી ખુલ્લા દ્વાર બંધ થાય છે.
  પ્રથમ ચાર શેરોમા આનો આભાસ થાય છે તો…
  અંતરસ્ત્રાવ પર પણ જીભનો રસ ટપકે છે. હઠ યોગને અમૃતપાન કહેવામાં આવે છે. યોગની ભારે કષ્ટોથી થનારી નેતી-ધૌતિ-બસ્તિ, કુંજર ક્રિયા કે ખેચરી તથા ચક્રભેદન ક્રિયાઓ અકુદરતી છે અને તે કરવાથી આરોગ્યને હાનિ થવાની ભારે સંભાવના છે અને અકળ મીઠાશ તો
  ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર,
  મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું !

 6. P. Shah
  Posted માર્ચ 1, 2012 at 11:23 એ એમ (am) | Permalink

  મત્લા અને મક્તાના સુંદર શેર-ગઝલનું દરેક પાસું નાવિન્યતી ભર્યું ભર્યું-દરેક શેરમાં જોવા મળતી નવી જ વિભાવનાઓ
  .. વાંચ્યા પછી મનને સતત ખેંચતી રહે છે આ ગઝલ પોતાના તરફ… અભિનંદન પંચમભાઈ !
  ગઝલ વાંચતા તેમાંથી ઉદભવતો ધ્વનિમેળ-શ્રુતિમેળ ભાવકને ચોક્કસપણે રચનાના છંદોલય તરફ દોરી જાય છે.

 7. Posted માર્ચ 1, 2012 at 3:01 પી એમ(pm) | Permalink

  Me je pancham Shuklne Sambhalya chhe ane vachya chhe Ae Pancham Shuklani Kaxae Pahonchavama Aa gazal thodi Uni Utari Hoy Evu Mane vyaktigat rite laagyu.

  • Posted માર્ચ 1, 2012 at 3:59 પી એમ(pm) | Permalink

   Thanks for your honest opinion.

   I have had the same opinion myself about this type of work 10 years ago. You are right, it is surely different from some of my poems you have come across in public recitation and print media.

  • Posted માર્ચ 7, 2012 at 3:57 પી એમ(pm) | Permalink

   એથી ઊલટું. મને પંચમભાઈની આ રચના બહુ જ ગમી.
   જુની રચનાઓમાં પંચમભાઈના પદલાલિત્ય જોર કરી જતું.
   છેલ્લી ઘણી રચનાઓથી પંચમભાઈની રચનાઓ સાંગોપાંગ સંતુલિત બહાર આવે છે.

 8. Narendra Ved
  Posted માર્ચ 1, 2012 at 4:17 પી એમ(pm) | Permalink

  Awsome, Panchambhai. I love it.

 9. Posted માર્ચ 1, 2012 at 4:46 પી એમ(pm) | Permalink

  આ પ્રકારના મિશ્ર છંદ વિષે હું વધુ જાણ્તો ન હોવાથી… છંદ બંધારણ વિષે કશુ નહી કહુ પણ ગઝલ મઝાની માર્મિક….અલગ જ કેડીની….

 10. Posted માર્ચ 2, 2012 at 4:02 એ એમ (am) | Permalink

  ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ, આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું. ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક, ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

  superb!!!

 11. Posted માર્ચ 2, 2012 at 11:24 એ એમ (am) | Permalink

  છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ,
  આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું.
  Khub gami aa taaji rachana ane Shirshak anusaar…enjoyed.

 12. Posted માર્ચ 2, 2012 at 9:41 પી એમ(pm) | Permalink

  ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
  ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

  વાહ! નીચેના શે’રનું ભાવવિશ્વ પકડવામાં ઉણો ઉતર્યો. વિદેહી શબ્દનો પ્રયોગ કયા અર્થમાં છે એ જણાવશો તો સમજવામાં મદદ મળશે! ખૂબ સરસ ગઝલ થઇ છે.

  છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ,
  આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું.

  • Posted માર્ચ 4, 2012 at 12:29 પી એમ(pm) | Permalink

   Thanks Amitbhai.

   • amit0601
    Posted માર્ચ 5, 2012 at 2:46 એ એમ (am) | Permalink

    આભાર પંચમભાઈ. વલીભાઈએ કરાવેલા આસ્વાદથી બધુજ દીવા જેવું સ્પષ્ટ થઇ ગયું! વલીભાઈ, નાળીયેરની કાચલી તોડવા બદલ ખૂબ ખૂબ આભાર!

 13. Posted માર્ચ 3, 2012 at 12:28 પી એમ(pm) | Permalink

  અગાઉ માન્યવર મહોદય શ્રી જુગલકિશોરજીએ પંચમજીની એક રચના “જાત જરા ઢંઢોળો જદુપતિ” ના પ્રતિભાવમાં એક કાળે બ. ક. ઠાકોરનાં કાવ્યો (સોનેટ) વિષે જેમ કહેવાતું હતું તેવા જ શબ્દોમાં લખ્યું છે કે “તમારાં અને હિમાંશુભાઈનાં કાવ્યોમાં કેટલુંક એવું હોય છે, જેને નારિકેલપાકની માફક પામતાં પહેલાં કષ્ટ લેવું પડે.”

  પ્રજ્ઞાબેને આ રચના ઉપર હઠયોગની એક મુદ્રા ખચેરી કે ખેચરીને અનુલક્ષીને પોતાનો વિદ્વતાપૂર્ણ અને માહિતીપ્રચુર પ્રતિભાવ આપ્યો છે.

  અહીં હું પણ નિખાલસભાવે કહું તો વિવેચક (બબુચક!)નો વહેમ લઈને ફરતો એવો હું બુઠ્ઠા દાતરડા કે છરી વડે કદાચ હાથે લોહી પણ કાઢી બેસવાના જોખમ સાથે ‘ખેચરી’ રૂપી નાળિયેરને છોલીને અંદરની કઠોર કાચલીને ગૃહઉંબરે અફાળીને પોચા ખોપરાના આવરણનીય ભીતરમાંના મધુર પાક (પાણી)ને પાત્રમાં પામવા અને સમભાવીઓને પાન કરાવવાનો યથામતિએ પ્રયત્ન કરું છું.

  ‘ખેચરી’ શીર્ષક (નારિયેળની ચોટી!)થી આપણી મથામણ શરૂ કરીએ તો મારા નમ્ર મતે ‘ખેચરી’ શબ્દ ‘ખ=આકાશ’ સાથે સંબંધિત છે. વિધાતાએ સર્જેલા સઘળા જીવોને ‘ખેચર’, ‘ભૂચર’ અને ‘જળચર’ એમ ત્રણ પ્રકારે વિભાજિત કરી શકાય. કવિના મતે કંઈક જુદી જ વાત હોઈ શકે, કેમ કે આ રચનામાં ‘જળ’નો ઉલ્લેખ નથી અને અન્ય જે બેનો સમાવેશ થાય છે તે છે આભ અને સડક.

  ફરી પાછા ‘ખેચરી’ શબ્દમાંથી અર્થ ખેંચવાનો અને વૈયાકરણીય પદચ્છેદ કરવાનો મિથ્યા પ્રયત્ન કરીએ તો આપણને ‘આકાશમાં વિહરનાર’ એવો અર્થ અને પદપ્રકાર તરીકે ‘વિશેષણ’ એમ જાણવા મળશે. ‘ખેચરી’ વિશેષણના વિશેષ્ય તરીકે જડ કે ચેતન પદાર્થો આવી શકે જેમાં અનુક્રમે વિમાન, પતંગ કે ગ્રહો અને વિહંગ હોઈ શકે.

  હવે ‘ખ’ અર્થાત્ આકાશના બંધારણને સમજવાની કોશીશ કરીએ તો તે વાયુઓનું આભાસી આવરણ માત્ર છે. આકાશને આંબવા કે પકડવા આપણે જેમે જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ ઝાંઝવાના જળની જેમ દૂર અને દૂર હડસેલાતું જ જવાનું. આમ આકાશ એ વાસ્તવિકતા ન હોતાં માત્ર ભ્રમ છે અને તેથી તેને ભાવાત્મક (સ્થુળ તો નહિ જ) જ ગણી શકાય.
  આટલે સુધીના કોઈક વાંચકોના મતે કંટાળજનક એવા પ્રારંભિક પિષ્ટપેષણ પછી ગઝલના માથે(શીર્ષક)થી ખભે અને એમ નીચે ઊતરવા માંડીએ. મારું માનવું છે કે ગઝલના આનંદને માણવાની ખરી શરૂઆત હવે થઈ ગણાશે. ‘ખ’ ભ્રમ છે, બસ તેમ જ આકાશમાં ઊડતા વિમાનને જોઈને કવિ એવો ભ્રમ (આભાસ) સેવે છે જાણે કે તે (વિમાન) મંથર ગતિએ આકાશને ખેંચી રહ્યું છે. કવિની કેવી ભવ્ય કલ્પના! મંથર (ધીમી) ગતિની કલ્પના એ અર્થમાં બંધબેસતી છે કે જમીન ઉપર રહ્યે રહ્યે વિમાન તો ધીમે ધીમે જ ખસતું લાગે, પછી ભલેને તેની ખરેખરી ગતિ કલાકના પાંચસો-સાતસો માઈલની હોય!

  ‘ખ’ની ભ્રામિકતા પછી તો આકાશેથી ઊતરીને નીચે રસ્તા ઉપર આવી જાય છે અને બસની પ્રતિક્ષામાં કવિની નજર્ સ્થિર થઈ જાય છે. સૂમસામ એવી સડકના મનને સમજવા કવિનો વિચાર તેને જાણે કે પોતાના ભણી ખેંચે છે. આ કડીમાં પણ કવિને અકળ એવા કોઈક આભાસની અનુભૂતિ થાય છે.

  ગઝલ આગળ વધતી વધતી આ કડીએ આવે છે, “છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદૂઓ” અને આનો અર્થ ગ્રહણ કરવામાં વાંચકની ખરી કસોટી લેવાઈ જાય છે. નેક ટાઈનો ઉપરનો ભાગ જે સામે દેખા દે છે તેને છાતી સમજતાં એ જ ટાઈના પાછળના ભાગને પીઠ સમજવો પડે. કેવી મનને પ્રફુલ્લિત કરી દે તેવી કવિકલ્પના અને વળી એટલું જ નહિ ‘ટાઈની પીઠ પર જામેલાં પ્રસ્વેદ બિંદુઓ’!ની વાત છોગામાં!!! કોઈ અકવિને તો ‘અહો, વૈચિત્ર્યમ્!’ જ લાગે! પણ ભાઈ, આ તો બ્રહ્માના ખટરસથી પણ દોઢી ચઢિયાતી એવી સાહિત્યના નવ રસવાળી કવિઓની દુનિયા છે! આઈફોનના માધ્યમે સામેના છેડેથી અદૃશ્ય એવી કોઈ વ્યક્તિ કવિના કાન ખેંચે છે, જે થકી બદનમાંથી વછૂટતો પરસેવો બદનના આંતરવસ્ત્ર અને પહેરણને ભેદીને ટાઈના નીચલા સ્તર (પીઠ) પર દેખાઈ આવે છે.

  પ્રસ્વેદ બિંદુઓના અપવાદને બાદ કરતાં વળી ગઝલની આગામી કડીમાં ‘મોજાંઓની જેમ ચિત્તમાં ચોંટી ગએલું કશુંક’ ફરીવાર ભાવાત્મક કે ભ્રામક રૂપે આપણી સામે આવે છે જેમાં પેલા ‘ખ’ને અનુમોદન આપતી એ જ એ વાત છે. જેમ મોજાં (Stocking) પગ સાથે ચીપકેલાં રહે તેમ પેલું ચિત્તને ચીપકેલું પેલું ‘કશુંક’ એવી રીતે ઊખડવા મથે છે, જાણે કે રૂંવેરૂવાં ખેંચાઈ રહ્યાં હોય!

  ગઝલની આખરી કડી વર્ષો પહેલાં મેં જોએલા એક અંગ્રેજી ચલચિત્ર ‘Sky above and mud below’ ની યાદ અપાવી જાય છે. ગઝલના પ્રારંભે આકાશની સફર કરાવનાર ગઝલકાર આપણને ફૂટપાથ ઉપર લાવી દે છે અને તિરાડમાં ઊગેલા ડેઈઝી ફૂલ અને તેમાંથી મધ ખેંચતી એવી મધમાખીનાં દર્શન કરાવે છે. વળી પાછી અહીં કવિ અકળ (અદૃશ્ય) એવી મીઠાશની એવી વાત કરે છે કે જે પેલા ‘ખ’ ના આભાસી અસ્તિત્વને વધુ એક પણ છેલ્લીવાર સાર્થક કરે છે.

  આ વિવેચનલેખના અંતે પેલા ‘નારિકેલપાક’ ને ફરી વિસ્મરતાં અને મારી મર્યાદાઓને સુપેરે સમજતાં ખુલ્લા દિલે મને કહેવા દો કે મેં પ્રથમ નજરે રૂક્ષ દેખાતા એવા ‘ખેચરી’ નામધારી ગઝલરૂપી નાળિયેરને છોલવાનો અને તેના ગર્ભમાંના મિષ્ટ એવા પાણીને આ કોમેન્ટ બોક્ષરૂપી પ્યાલામાં ભરવાનો પ્રયત્ન કર્યો છે. જટિલ, સંદિગ્ધ અને ગહન વિચારને સમાવતી કોઈપણ કાવ્યરચનાને સમજવામાં દરેક વાંચકને પેલી ‘અંધજનો અને હાથી’વાળી વાત જેવું થવા સંભવ છે. આ ગઝલને હું જે રીતે સમજ્યો છું તે રીતે આ ગઝલ અને તેના પ્રતિભાવોના વાંચકોને તે સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.

  ‘ઠુકરા દો યા પ્યાર કરો’ ઉક્તિની જેમ ભાઈશ્રી પંચમ શુક્લજી અને વાંચકો આઝાદ છે, મારા વિવેચનને ઉપરોક્ત વૈકલ્પિક જે તે અંજામ આપવા સારૂ.

  ધન્યવાદ.

  • Posted માર્ચ 3, 2012 at 8:48 પી એમ(pm) | Permalink

   Dear Valibhai

   How can I thank you? It seems you have remotely touched my subconscious in this case. You have almost reached to the state of my mind when this poem flushed in.

   I salute to you and your way of peeling the poem for others. Even I could not have presented myself better than this in explaining.

   regards,
   Pancham

  • Posted માર્ચ 5, 2012 at 2:52 એ એમ (am) | Permalink

   વલીભાઈ, નાળીયેરની કાચલી તોડવા બદલ ખૂબ ખૂબ આભાર!

  • Posted માર્ચ 7, 2012 at 4:25 પી એમ(pm) | Permalink

   વલીકાકા,
   નાળિયેરની કાચલી તમે તોડી તો હું સંચોડો કોપરાપાક જ બનાવી આપું! આમેય વિશ્વકર્માનો દિકરો છું ને!
   મારું હથોડાછાપ વાંચન આ રચનાને પ્રમાણે સમજે છે:

   લાગે છે પંચમભાઈ કોઈ બસસ્ટૅન્ડ પર સવારના સમયે ઊભા હતા અને એમને આ ગઝલ સૂઝી આવી.

   લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું,
   મંથર ગતિએ આભને વિમાન ખેંચતું.

   પંચમભાઈ ભૌતિકવિજ્ઞાનનાં રૂપકોને કવિતામાં પ્રયોજવાના અભ્યાસુ છે. જો બર્નુલીના તરલગતિશાસ્ત્રના સમીકરણની કલાત્મક અભિવ્યક્તિ! સાથે ’આભને વિમાન ખેંચતું’ તે ન્યૂટોનિયન રેફ઼રન્સ ફ઼્રે‍ઇમનો અભ્યાસ દર્શાવે છે.

   પંચમભાઈ જો કવિ ન હોત તો ચિત્રકાર હોત – અને લૅન્ડસ્કેઇપના ચિત્રકાર હોત એવું મારું માનવું છે. એ પેનના એક જ લસરકાથી (કે કીબોર્ડની થોડી જ કી દબાવીને) પરિસ્થિતિ વર્ણન કરવામાં પાવરધા છે.

   સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં,
   સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું.

   સડકને મન હોય તો ક્યાં હોય? જેમ મનમાં વિચારો ભમે છે તેમ સડક પર વાહનો ભમે છે. કોઈ ન આવેલી બસ માટે યાત્રી વિચારો કરે છે કે રસ્તાનું મન?

   છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ,
   આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું.

   કેટલીય વાર કોઈ આપણો કાન ખેંચે અને આપણે પરસેવે રેબઝેબ થઈ જઇએ. જીવનની આધુનિકતાને કારણે હવે વિદેહે (ફ઼ોનદેહે) પણ કોઈ કાન ખેંચીને આપણને રેબઝેબ કરી શકે છે. કવિએ ’ટાઈની પીઠ પર’ અને ’આઇફ઼ોન’ શબ્દો વાપરીને આધુનિકતા, છતાં પરસ્પર અવલંબન, પર વેધક દૃષ્ટિ કરી છે.

   ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
   ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

   સ્ટોકિંગ – અંતરંગ વસ્ત્ર છે. ઉતારતાં ખેંચાતા રોમ – અનેક, ઝીણા રોમ સુધી કવિનું પહોંચતું ધ્યાન જ પહેલાં તો અહોભાવને પાત્ર છે. ’ચિત્ત’ શબ્દ સમજવા જેવો છે. ચિત્ત તે સંસ્કારો્ની, ટેવોની, મૂલ્યોની સાથે કામ કરતા અંતઃકરણનું નામ છે. રોમની જેમ શરીરને ચોંટેલા સંસ્કારો, ટેવો, મૂલ્યો બદલાય ત્યારે ચિત્તને ક્ષુબ્ધતા લાગે છે. સ્ટોકિંગની જેમ કશુંક અંતરંગ પહેરેલી પરિસ્થિતિ ઉખડે તે આવા રોમને અપાર ખેંચતું જ ઊખડે.

   સમજવા જેવી વાત છે કે અહીં કવિએ ’ચિત્ત’ની જગ્યાએ ’મન’ શબ્દ વાપર્યો હોત તો એ લાગણીઓ અને તરંગોની વાત થઈ જાત. તો સ્ટોકિંગ દ્વારા ખેંચાતા રોમની ઉપમા ન ફળત.

   આવી પંક્તિઓ કવિના કવિત્વનો પરિચય છે.

   ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર,
   મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું !

   ફ઼ૂટપાથની તિરાડમાં, જગતની દોડાદોડીની વચ્ચે, ખિલેલા ડેઇઝીના ફૂલમાં મીઠાશ તો ખરી. તેના પર મધમાખીનું ભ્રમણ એથી પણ મીઠું. કવિ ’અકળ મીઠાશ’ શબ્દો વાપરીને આવા સંયોગોમાં મીઠાશના મળવાની ઘટતી જતી સંભાવના પર ફ઼્લડલાઇટ ફેંકે છે. અચાનક એ સમયે આપણને ડેઇઝીની અને મધમાખીની – બન્નેની જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની મીઠાશ કળાઈ આવે છે..

   • Posted માર્ચ 7, 2012 at 7:07 પી એમ(pm) | Permalink

    Again I must thank you ‘Pramath’ alongside Valibhai for the modern insight with scientific and logical perspective. I am delighted and enriched.

    Although handful, but readers like you, Valibhai and all others break my laziness (of blog-posting) and motivate me to share my ‘esoteric’ writings in public.

 14. Posted માર્ચ 3, 2012 at 7:31 પી એમ(pm) | Permalink

  વાહ પંચમદા. ફૂટપાથની તિરાડથી આકાશના ભ્રમણ સુધી ની યાત્રા દરમ્યાન ખાલીખમ સડક અને છતાં પ્રતીક્ષા કરતાં ટાઈનું ભીંજાવું…….. દરેક શેર એક નવલિકાનો ભાર લઈને ખેંચી રહ્યા છે.

 15. સંજુ વાળા
  Posted માર્ચ 4, 2012 at 12:14 પી એમ(pm) | Permalink

  આમ આખી વાત ખેંચવામાં શરૂ થાય છે .તનાવ/ વિચાર/મીઠાશ ખેંચતું. જેવામાં કાવિતાની મઝા છે . અને એ મઝ મળે એટલે મારા જેવા શુદ્ધ કવિતાભાવક રાજી રાજી . કવિ અભિનંદન.

 16. naresh dodia
  Posted માર્ચ 4, 2012 at 1:07 પી એમ(pm) | Permalink

  sunder gazal pancham da….

  ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
  ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

  ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર,
  મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું !

 17. Posted માર્ચ 5, 2012 at 4:48 એ એમ (am) | Permalink

  મંથર ગતિએ આભને વિમાન ખેંચતું…
  સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું….
  રચનાની દરેક પંક્તિ પોતાનું ભાવવિશ્વ લઈને આવે છે અને ભેગાં થઈ એક સરસ શબ્દચિત્ર દોરે છે, કલ્પનાની તાજગી સ્પર્શે એવી છે. સરસ કવિકર્મ પંચમદા.

 18. Posted માર્ચ 5, 2012 at 5:23 એ એમ (am) | Permalink

  એકથી એક ચડિયાતા કિમિયાગરો એ શ્રી પંચમાખ્યાનથી દિલ જીતી લીધું.
  આપની એક આગવી સૂઝથી કોઈ પણ સામે રમતી વસ્તુને પોતિકી રીતે
  વર્ણવામાં આપની કુનેહ સદા દાદ પામે તેવી અનુભવી છે.મજા સાથે ઉપયોગી
  વાતો જાણી ને માણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 19. Chintan
  Posted માર્ચ 5, 2012 at 10:20 એ એમ (am) | Permalink

  ઉંમર પ્રમાણે આધ્યાત્મની કે ફિલસૂફીની વાતો પ્રથમ દ્રષ્ટિએ સમજી ન શકું, વડીલ નું વિવેચન કામે લાગ્યું,
  છતાય મને આ ગઝલની ચિત્રાત્મકતા વધુ બોલકી અને સાતત્યપૂર્ણ લાગી….

  કોઈ ગ્રીષ્મનો બપોર હોય, બસ સ્ટેશન પર કવિ બેઠા હોય, વિચારશૂન્ય, તરત નજરાઈ જાય એવી માનસિકતા.
  અને શરૂઆતે આસપાસની ઘટનાથી થાય. પહેલા વિમાનથી દ્રષ્ટિ ઉતરીને કવિ પર ઠરે, એમ કરતા દ્રષ્ટિ કવિ ની દ્રષ્ટિ પર જાય, જે બસની રાહ જોવે છે, ત્યાંથી કવિનું યંત્રવત જીવન, બંધાયેલું એમ ટાઈ અને આઈફોન ની વાત (કવિને કોઈનો ફોન પણ આયો હશે) ત્યાંથી કવિ ગરકાવ થઈ જાય ક્યાંક પોતાનામાં જ,,,, અને ફરી વાંચકનું વીઝન આઉટ થઈને આસપાસ આવે, અને તિરાડમાં ઉગેલા ડેઈઝીનાં ફૂલથી આ આખીય ગઝલની પ્રતિકાત્મકતા ને સાખ મળે….

  બસ મને મહત્વનું આ ચિત્ર લાગ્યું,,, પછી તો કર હોય એમ ગ્રહી લો…..

 20. Vipool Kalyani
  Posted માર્ચ 8, 2012 at 6:29 એ એમ (am) | Permalink

  બહુ જ સરસ. કાવ્ય બહુ જ ગમ્યું અને અા પ્રતિભાવોની પોઠમાં મન તરબતર. સહૃદય અભિનંદન.વલીભાઈ જેવાએ તો વળી જલસો કરાવ્યો.

 21. Pravin Shah
  Posted માર્ચ 8, 2012 at 9:55 એ એમ (am) | Permalink

  Enjoyed it while reading for the first time but enjoyed it more after reading Valibhai’s comments.

 22. Dhrutimodi
  Posted માર્ચ 8, 2012 at 11:44 પી એમ(pm) | Permalink

  ખૂબ સુંદર કાવ્ય. કાવ્યની વિભાવના મનભાવન છે.શબ્દોનો યથાયોગ્ય ઉપયોગ ધ્યાનાકર્ષ છે.

 23. Sudhir Patel
  Posted માર્ચ 10, 2012 at 1:43 એ એમ (am) | Permalink

  પંચમદાની ગઝલ તો અનોખી છે જ, પણ સાથે રોચક આસ્વાદ અને પ્રતિભાવોય માણવાની મોજ પડી!
  કવિને અભિનંદન!!
  સુધીર પટેલ.

 24. kishoremodi
  Posted માર્ચ 11, 2012 at 1:25 એ એમ (am) | Permalink

  અાખી રચના મનભાવન છે


One Trackback/Pingback

 1. […] ખેચરી Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true,"data_track_addressbar":false};if (typeof(addthis_share) == "undefined"){ addthis_share = [];}♥ પંચમ શુક્લ લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું, મંથર ગતિએ આભને વિમાન ખેંચતું. સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં, સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું. છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ, આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું. ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક, ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું. ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર, મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

Post a Comment to Dhrutimodi

Required fields are marked *
*
*

%d bloggers like this: