ભેદ જાણી શું કરશો?

♥ પંચમ શુક્લ

એકનો કે જોટાનો ભેદ જાણી શું કરશો?
પાણીમાં પ્રપોટાનો ભેદ જાણી શું કરશો?

સૂર્ય સાથે સૂરજમુખીની જેમ ફરતા રો’,
વાંસના આ કોટાનો ભેદ જાણી શું કરશો?

એક બિલાડી જીવતી ને એજ પાછી મૂએલી,
શ્રોડિંગરના* ગોટાનો ભેદ જાણી શું કરશો?

ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે?
કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો?

એ અદૃશ્ય આકારો કોતરી લો અંતરમાં,
મુખ કિંવા મુખોટાનો ભેદ જાણી શું કરશો?

11-06-2010

છંદોલય: ગાલગા લગાગાગા ગાલગા લગાગાગા

* Schrodinger’s Cat Paradox


14 Comments

 1. Posted જાન્યુઆરી 1, 2012 at 1:06 પી એમ(pm) | Permalink

  એકનો કે જોટાનો ભેદ જાણી શું કરશો?
  પાણીમાં પ્રપોટાનો ભેદ જાણી શું કરશો?

  કવિ અહીં સુંદર વાત કરે છે. ઉલા મિસરામાં ભારતીય તત્ત્વમાં ચૈતન્ય મહાપ્રભુનો અચિન્ત્યભેદાભેદવાદ આની સૌથી નજીક ગણી શકાય. સાની મિસરામાં કબીર પાસેથી પરપોટો લઈ, કવિ દાર્શનિકોને પૂછે છે – “શું કરશો?”

  સૂર્ય સાથે સૂરજમુખીની જેમ ફરતા રો’,
  વાંસના આ કોટાનો ભેદ જાણી શું કરશો?

  અહીં નરસિંહ મહેતા યાદ આવે અને તત્ત્વનું ટૂંપણું મૂકીને સીધો પૂષન પાસેથી પ્રેમરસ પીવાની સુંદર વાત!

  એક બિલાડી જીવતી ને એજ પાછી મૂએલી,
  શ્રોડિંગરના* ગોટાનો ભેદ જાણી શું કરશો?

  આ જગ્યાએ કવિ એમના આગલા શે’રોની લાગતી ભિન્નતાને સીવે છે. ભારતીય દાર્શનિકોને કદાચ શ્રોડિંજરનું મોડેલ તો કવિ સુચવતા નથી? આમ તો ગઝલના શે’ર પૃથક હોય છે અને અહીં સુંદર રીતે પૃથક્ રાખ્યા પણ છે – છતાં વેદોનું અર્થઘટન જેમ અલગ અલગ સ્તરે કરી શકાય છે તે રીતે આ ગઝલ પણ એ સ્તરે પહોંચી ગઈ છે.

  ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે?
  કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો?

  કાવ્યની દૃષ્ટિએ આ ઉત્તમ શે’ર છે – જ્યાં કાળનો સાપ ગયો છે અને લિસોટા રહી ગયા છે અને એના પૃથક્કરણથી, ભૂતકાળને વાગોળીને કોઈ ફ઼ાયદો નથી તેમ કવિ કહે છે કારણકે દરેક ક્ષણ જુદી કસોટી અને મજા લાવે છે.
  વર્તમાન વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે હું આ શે’ર સાથે અસંમત છું. તેમાં પણ આંકડાશાસ્ત્ર ભણ્યા પછી તો નહીં જ. છતાં પંચમભાઈ નો હેતુ મને પૂછવાનો નથી, એમનો હેતુ ભારતીય દર્શનને પૂછવાનો છે. આથી આ શે’ર એ સંદર્ભે વાંચવો રહ્યો.

  એ અદૃશ્ય આકારો કોતરી લો અંતરમાં,
  મુખ કિંવા મુખોટાનો ભેદ જાણી શું કરશો?

  આ જગ્યાએ મારું વાંચન અધૂરું છે. મુખ અને મુખોટાનો ભેદ તે કશ્મિરશૈવતંત્રનો વિચાર છે. એ ભેદને કોરે મૂકીને અંતરમાં અદૃશ્ય આકારો કોરી લેવાની હાકલ સમજવા કદાચ મારે વૈષ્ણવતંત્ર વાંચવું પડશે.

  • Posted જાન્યુઆરી 1, 2012 at 10:30 પી એમ(pm) | Permalink

   ‘પ્રમથ’, સમય ફાળવી આવો જ્ઞાનવર્ધક પ્રતિભાવ પાઠવવા માટે ખૂબ ખૂબ આભાર.

 2. Posted જાન્યુઆરી 2, 2012 at 7:16 એ એમ (am) | Permalink

  ભેદ જાણી શું કરશો?

  જેને યાદ કર્યા કરે કોઈ ઉપલબ્ધી નથી, ફક્ત ગણના ગણના જ છે તો
  તેની પાછળ ઘેલા થયે શું મળશે? એક અનંત યાત્રાના તાણાવાણાને
  બખૂબીથી શ્રી પંચમભાઈએ ગઝલમાં ઝીલી લીધા. નૂતન વર્ષાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Posted જાન્યુઆરી 3, 2012 at 6:30 એ એમ (am) | Permalink

  ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે?
  કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો?
  સરસ …

 4. Posted જાન્યુઆરી 3, 2012 at 12:01 પી એમ(pm) | Permalink

  સુંદર રચના…

  આ દ્વિખંડી છંદ છે અને સૂરજમુખીવાળી એક પંક્તિને બાદ કરતાં એનું દ્વિખંડીપણું જળવાયું પણ છે.

  મજા આવી…

 5. બાબુલ
  Posted જાન્યુઆરી 3, 2012 at 5:27 પી એમ(pm) | Permalink

  બહોત અચ્છે!

 6. Posted જાન્યુઆરી 4, 2012 at 5:53 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,
  તમને શ્રોડિંજરનું મોડેલ વધુ ફ઼િટ દેખાય છે, મને હાઇઝનબર્ગ અને ડિ-બ્રોગ્લિનું.
  મોટી તકલિફ઼ એ કે ચકાસવા જઈશું તો બિલાડી મરી જશે!

 7. Posted જાન્યુઆરી 4, 2012 at 11:52 એ એમ (am) | Permalink

  સરસ ગઝલ !

  “કાળના લિસોટા” નું નિરુપણ ગમી ગયું!

 8. bharat trivedi
  Posted જાન્યુઆરી 5, 2012 at 2:54 પી એમ(pm) | Permalink

  ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે?
  કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો?

  vaah !

 9. Posted જાન્યુઆરી 5, 2012 at 2:55 પી એમ(pm) | Permalink

  સરસ કવિકર્મ…

 10. Posted જાન્યુઆરી 5, 2012 at 4:01 પી એમ(pm) | Permalink

  ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે?
  કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો?..વાહ સરસ ગઝલ પંચમભાઇ

 11. himanshupatel555
  Posted જાન્યુઆરી 6, 2012 at 4:31 પી એમ(pm) | Permalink

  સરસ ભાષા કર્મ જ્યાં ગઝલ નિખરે છે.

 12. Sudhir Patel
  Posted જાન્યુઆરી 7, 2012 at 1:38 એ એમ (am) | Permalink

  Enjoyed your very nice Ghazal!
  Sudhir Patel.


One Trackback/Pingback

 1. […] ભેદ જાણી શું કરશો? Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true,"data_track_addressbar":false};if (typeof(addthis_share) == "undefined"){ addthis_share = [];}♥ પંચમ શુક્લ એકનો કે જોટાનો ભેદ જાણી શું કરશો? પાણીમાં પ્રપોટાનો ભેદ જાણી શું કરશો? સૂર્ય સાથે સૂરજમુખીની જેમ ફરતા રો’, વાંસના આ કોટાનો ભેદ જાણી શું કરશો? એક બિલાડી જીવતી ને એજ પાછી મૂએલી, શ્રોડિંગરના* ગોટાનો ભેદ જાણી શું કરશો? ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે? કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો? એ […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: