એક વર્તુળની સફર

♥ પંચમ શુક્લ

ગાંઠ એ શાને હજી ના ખૂલતી, કોને ખબર ?
કોક ખૂણે કોકડું ઈચ્છા વળી, કોને ખબર ?

એક સિક્કો એમ ઊછળીને પડ્યો છે ભોંય પર,
ચીત થઈ ગઈ પટ મહીં બાજી કઈ, કોને ખબર ?

બહાર છો થીજી જતું સર્વસ્વ ધોળા બર્ફમાં,
કાળા ઓશીકે વહે ઊની નદી, કોને ખબર ?

પ્રશ્ન એક જ ફોલીને ફેંક્યો અને લપસી પડ્યા,
ઉત્તરોની છાલ લીસ્સી કેટલી, કોને ખબર ?

આંગળીથી લઈ અને પહોંચા સુધીના પથ ઉપર,
હસ્તરેખાની તરડ ક્યાં ક્યાં નડી, કોને ખબર ?

એક વર્તુળની સફર- આરંભ ક્યાં ને અંત ક્યાં?
કેટલી લાંબી રહી; સીધી રહી, કોને ખબર?

૧૭/૬/૦૯

છંદોલય: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

* ઋણસ્વીકાર:  મિત્ર ભાર્ગવ મારૂના એક કાવ્યના અનુનાદ રૂપે આ ગઝલ રચાઈ છે.

Advertisements

22 Comments

 1. Bharat Trivedi
  Posted નવેમ્બર 15, 2011 at 12:29 પી એમ(pm) | Permalink

  Solid as it gets ! From start to the end. Panchambhai, this is your signature ghazal.

  ગાંઠ એ શાને હજી ના ખૂલતી, કોને ખબર ?
  કોક ખૂણે કોકડું ઈચ્છા વળી, કોને ખબર ?

  vaah !

 2. Posted નવેમ્બર 15, 2011 at 1:11 પી એમ(pm) | Permalink

  આ ગઝલ પંચમદાની છે…??? સાચે જ ?
  આટલા સરળ શબ્દો, આવી મજાની બાની અને મસ્ત શેરો…
  મજા આવી !

 3. devikadhruva
  Posted નવેમ્બર 15, 2011 at 2:01 પી એમ(pm) | Permalink

  એક વર્તુળની સફર..કોને ખબર…સુંદર અને સનાતન વિષય..નવા જ રૂપકો સાથે…ખુબ સરસ,પંચમભાઇ.

 4. Posted નવેમ્બર 15, 2011 at 2:56 પી એમ(pm) | Permalink

  એક વર્તુળની સફર, આરંભ ક્યાં ને અંત ક્યાં?
  કેટલી લાંબી રહી; સીધી રહી, કોને ખબર?

  અદભુત પંચમભાઈ!

 5. pragnaju
  Posted નવેમ્બર 15, 2011 at 3:29 પી એમ(pm) | Permalink

  સરળ હૃદયંગમતા વાળી સુંદર ગઝલ

  એક વર્તુળની સફર, આરંભ ક્યાં ને અંત ક્યાં?
  કેટલી લાંબી રહી; સીધી રહી, કોને ખબર?

  ગૂ ઢ ફિ લો સો ફી

  અંત ને આરંભ તો હંમેશ હોવાના અહીં,
  ધ્યાન ખેંચે તેવું તેમાં મધ્ય હોવું જોઈએ !

  એક વર્તુળના પ્રવાસી આપણે
  આજ છે આરંભને આ અંત છે

  અંત અને આરંભ તણું વર્તુળ કુદરતનું કેવું
  બીજ પ્રથમ ભીતર ધરબાતું વૃક્ષ ઊગે છે ત્યારે.

  ચાંદ, તારા, સૂર્ય ને આકાશગંગાઓ બધી,
  વિશ્વ વર્તુળની પરે કૈં ભવ્ય હોવું જોઈએ.

  યાદ

  દુર નીકળી ગયો છું ઘણો, એ મુકામે થી,
  વળી વળી ને એજ વળાંકે પાછા લાવ્યા કરે છે.

 6. Posted નવેમ્બર 15, 2011 at 8:57 પી એમ(pm) | Permalink

  સાચે જ પંચમદાની છે? વિવેકભાઈ મને પણ નવાઈ લાગી..પહેલો શેર ખૂબ ગમ્યો..અને આ પણ..અરે આખી ગઝલ..
  બહાર છો થીજી જતું સર્વસ્વ ધોળા બર્ફમાં,
  કાળા ઓશીકે વહે ઊની નદી, કોને ખબર
  સપના

 7. himanshupatel555
  Posted નવેમ્બર 16, 2011 at 4:46 એ એમ (am) | Permalink

  એક ચોક્કસ uncertaintiesને અવ્યક્તમાંથી વ્યક્ત તરફ તાણી જતી ગઝલ.વર્તુળ સ્વયં એનુ મેટાફર છે વા મેટામોર્ફોસ છે,વર્તુળ શરુઆત છે પણ છેડા વગરની.
  બે+ વરસ પછી પણ ભાષા હજું ધ્વનિને કાવ્યધ્વનિમાં translate કર્યા કરે છે અને શબ્દ નોખો નાદ રમતો મૂકી જાય છે.

 8. Posted નવેમ્બર 17, 2011 at 7:21 એ એમ (am) | Permalink

  આંગળીથી લઈ અને પહોંચા સુધીના પથ ઊપર,
  હસ્તરેખાની તરડ ક્યાં ક્યાં નડી, કોને ખબર ?

  વાહ પંચમભાઈ, પ્રણયની નાજુક સફરમાં નડતા ગ્રહ નક્ષત્રોની વાત બહુ સલુકાઈથી પેશ કરી .. આમ તો આખી ગઝલ મજાની .. વિવેકભાઈની વાત સાથે સંમત કે શબ્દોને માટે ડીક્શનરી ફંફોસવી ન પડે એવી ગઝલ પંચમભાઈની હોય એમ આંખને ઝટ વિશ્વાસ ન થાય..

 9. Posted નવેમ્બર 17, 2011 at 11:57 એ એમ (am) | Permalink

  પંચમ શુક્લા કે જયકાં ત જાની કોને ખબર –

  જીભ I Love you કહેવા શાને ના ખૂલતી, કોને ખબર ?
  હ્રદયના ક્યા ખૂણે શરમ કોકડું થઇ પડી , કોને ખબર ?

  કામદેવનો ઓછાયો કણાની જેમ ઉડીને પડ્યો છે આંખ પર,
  ભડકી ને એ શોલે બનશે કે ચીનગારી , કોને ખબર ?

  બધી કામેચ્છાઓ છો થીજી જતી ભુરા સપ્નમા,
  સપ્ન શ્રાવે વહે કેમ તુરી બદી, કોને ખબર ?

  નજર એકજ રમાડીને ફેંકી અને લપસી પડ્યાં,
  તેની દાનત ની ચાલ લીસ્સી કેટલી, કોને ખબર ?

  હોઠ થી લઈ અને હ્રદય સુધીના રન વે ઊપર,
  તેના અંગોની પકડ ઢીલી કેમ પડી , કોને ખબર ?

  એક લવ સ્ટૉરી ની સ્ક્રીન પ્લેનો, આરંભ ક્યાં ને અંત ક્યાં?
  સ્ટૉરી કેટલી રસપ્રદ રહી; બોરીંગ રહી, કોને ખબર?

  ૧૭/૧૧/૨૦૧૧

 10. Posted નવેમ્બર 18, 2011 at 7:01 એ એમ (am) | Permalink

  સુંદર!
  ખૂબ તાજી તાજી કલ્પનાઓ!

  હા, અહીં છંદ તૂટ્યો કે શું?
  “કાળા ઓશીકે વહે ઊની નદી, કોને ખબર ?”

  • Posted નવેમ્બર 18, 2011 at 8:59 એ એમ (am) | Permalink

   આભાર.

   કાળા ઓશીકે વહે ઊની નદી, કોને ખબર ?
   (‘કાળા’- ગાગા ને બદલે ગાલ માપમાં છે. જે અરૂઝ નિયમાનુસાર નભી શકે એવી છૂટ છે. વળી ‘ળા’ ને પછી ‘ઓ’ સ્વરને લીધે ‘ળા’નું વધારાનું ગુરુત્વ ‘ઓ’માં શોષાઈ જવાથી આ ‘મુલાયમ સંયોજન’ શક્ય બને છે.)

   ‘કાળા’ને બદલે ‘શ્યામ’ શબ્દ વાપરી ‘ગાલ’ માપ યથાવત રાખી શકાત. પરંતુ, બે દાયકાથીય વધુ સમય સુધી ગઝલનું પડખું સેવ્યા પછી કાવ્યમાં યોગ્ય અને સંતોષકારક શબ્દયોજનાનું મહત્વ સમજાય છે. કૃતક રીતે છંદ જાળવવાની ક્રોસવર્ડ-પઝલ જેવી રમતનો હવે પહેલા જેવો મોહ રહ્યો નથી.

   —-
   કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.
   (મનોજ ખંડેરિયા)

 11. vishveshavashia
  Posted નવેમ્બર 18, 2011 at 11:41 એ એમ (am) | Permalink

  When I read ‘બહાર છો થીજી..’, I felt this has to be the best sher of the Ghazal. Was proved wrong immediately.

  “પ્રશ્ન એક જ ફોલીને ફેંક્યો અને લપસી પડ્યા,
  ઉત્તરોની છાલ લીસ્સી કેટલી, કોને ખબર ?”

  Sensational!

 12. Kirtikant Purohit
  Posted નવેમ્બર 18, 2011 at 5:01 પી એમ(pm) | Permalink

  પ્રશ્ન એક જ ફોલીને ફેંક્યો અને લપસી પડ્યા,
  ઉત્તરોની છાલ લીસ્સી કેટલી, કોને ખબર ?

  આંગળીથી લઈ અને પહોંચા સુધીના પથ ઉપર,
  હસ્તરેખાની તરડ ક્યાં ક્યાં નડી, કોને ખબર ?

  એક વર્તુળની સફર- આરંભ ક્યાં ને અંત ક્યાં?
  કેટલી લાંબી રહી; સીધી રહી, કોને ખબર?

  Very nice Panchambhai.A fantastic Gazal.

 13. Sudhir Patel
  Posted નવેમ્બર 19, 2011 at 4:18 એ એમ (am) | Permalink

  વાહ, પંચમજી! નવીન અભિવ્યક્તિ સાથે દમદાર ગઝલ!!
  સુધીર પટેલ.

 14. Posted નવેમ્બર 20, 2011 at 2:22 પી એમ(pm) | Permalink

  પંચમ – પ્રથમ તો સાચી પ્રતીતિ- સાચી પ્રતિભાને પ્રતિબિબિત કરતી કૃતિ રજુ કરવા બદલ ધન્યવાદ. બાકી તો ‘ હૈ દુનિયામેં સુખન્વર બહોત અચ્છે’! વધુમાં વર્તુળાકાર હસ્તરેખાની તરડના પ્રશ્નોના છટાદાર ઉત્તર ગઝલ રૂપે ચર્ચવા બદલ!
  Best wishes!

 15. Posted નવેમ્બર 21, 2011 at 3:34 એ એમ (am) | Permalink

  સુંદર ગઝલ ગમી. સૌથી વધુ ગમ્યો હોય તો તે શેર છેઃ

  બહાર છો થીજી જતું સર્વસ્વ ધોળા બર્ફમાં,
  કાળા ઓશીકે વહે ઊની નદી, કોને ખબર ?

  સાથે-સાથે જ આ કલ્પના પણ ગમીઃ

  પ્રશ્ન એક જ ફોલીને ફેંક્યો અને લપસી પડ્યા,
  ઉત્તરોની છાલ લીસ્સી કેટલી, કોને ખબર ?

 16. Posted નવેમ્બર 22, 2011 at 9:45 એ એમ (am) | Permalink

  Kyaa baat hai!

 17. Posted નવેમ્બર 25, 2011 at 4:54 એ એમ (am) | Permalink

  ગાંઠ જ્યાં પડે ત્યાં કઠીનતા સર્જાયજ.તેમાંથી જ વળખાઈ ને
  કઈક ખમતિલું ફૂટવા મથે…પણ હોય કોને ખબરની જેમ.
  સુંદર વિચારોથી મઢી ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 18. Posted નવેમ્બર 26, 2011 at 10:32 એ એમ (am) | Permalink

  આખી ગઝલ સરસ બની છે.
  Excellent expressions.

 19. kishoremodi
  Posted ડિસેમ્બર 1, 2011 at 1:02 એ એમ (am) | Permalink

  સુંદર ગઝલ પેશ કરવા માટે અાભાર.સરળ બાનીમાં બધાયે શે’ર અાકર્ષક થયા છે.

 20. Posted ડિસેમ્બર 20, 2011 at 4:45 પી એમ(pm) | Permalink

  સરસ ગઝલ બની છે પંચમભાઇ…
  પ્રશ્ન એક જ ફોલીને ફેંક્યો અને લપસી પડ્યા,
  ઉત્તરોની છાલ લીસ્સી કેટલી, કોને ખબર ?
  આ શેર બહુજ ગમ્યો,
  અભિનંદન.

 21. સંજુ વાળા
  Posted ડિસેમ્બર 21, 2011 at 5:17 પી એમ(pm) | Permalink

  એક વર્તુળની સફર- આરંભ ક્યાં ને અંત ક્યાં?
  કેટલી લાંબી રહી; સીધી રહી, કોને ખબર?…………… એ બાત ! કવિતાને સાહજિકતા સાથે સાહસ પણ જોઈએ . અભિનંદન .


One Trackback/Pingback

 1. […] એક વર્તુળની સફર Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true,"data_track_addressbar":false};if (typeof(addthis_share) == "undefined"){ addthis_share = [];}♥ પંચમ શુક્લ ગાંઠ એ શાને હજી ના ખૂલતી, કોને ખબર ? કોક ખૂણે કોકડું ઈચ્છા વળી, કોને ખબર ? એક સિક્કો એમ ઊછળીને પડ્યો છે ભોંય પર, ચીત થઈ ગઈ પટ મહીં બાજી કઈ, કોને ખબર ? બહાર છો થીજી જતું સર્વસ્વ ધોળા બર્ફમાં, કાળા ઓશીકે વહે ઊની નદી, કોને ખબર ? પ્રશ્ન એક જ ફોલીને ફેંક્યો અને […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: