છે હતા ને રહેવાના

♥ પંચમ શુક્લ

ભૂત, પ્રેત, વ્યંતરડા છે હતા ને રહેવાના,
મંત્ર, તંત્રના ભરડા છે હતા ને  રહેવાના.

મોઢે શીકલી બાંધો કે પહેરો લંગોટી,
પંડના આ ઉકરડા છે હતા ને રહેવાના.

સાપની જમાત આખી ‘સાઈઝ ઝીરો’ થાશે પણ,
12-C ના ઉંદરડા છે હતા ને રહેવાના.

વેગ સાથે બદલાતા સઢના સર્વ સંયોગો,
જડભરત આ લંગરડા છે હતા ને રહેવાના.

નૈ ભૂલી શકો એને ટેન-પીન બોલિંગથી,
યાદના આ ભમ્મરડા છે હતા ને રહેવાના.

૨૩/૧૨/૨૦૧૦

છંદોવિધાન: ગાલગા લગાગાગા ગાલગા લગાગાગા

વ્યંતર: એક જાતની ભૂતયોનિ

શીકલી: મોઢે બંધાતી જાળી

ટેન-પીન બોલિંગ: જુઓ વિકી લિન્ક

Advertisements

29 Comments

 1. pragnaju
  Posted ઓક્ટોબર 15, 2011 at 2:05 એ એમ (am) | Permalink

  ઓપિનિયનના ફેબ્રુઆરીના અંકમા માણેલી
  આ સુંદર રચના ફરી માણી
  આનંદ છે હતા ને રહેવાના.
  સત્ એ છે જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય
  એમ ત્રણેય કાળમાં યથાવત રહે !

  સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરો
  અનાત્મા છે હતા ને રહેવાના. …

  જે ત્રણેય અવસ્થાઓમાં સાક્ષી
  સત્ ચિત અને આનંદ સ્વરૂપ
  થઈને સ્થિત છે તે આત્મા છે.
  છે હતા ને રહેવાના. …

  જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ –
  ત્રણ અવસ્થાઓ ની સાક્ષી
  આપણું સ્વરૂપ આત્મા જ છે
  …………………
  સાપની જમાત આખી ‘સાઈઝ ઝીરો’ થાશે પણ,
  12-C ના ઉંદરડા છે હતા ને રહેવાના.
  સ રસ
  થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
  તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.
  છે હતા ને રહેવાના.

 2. Posted ઓક્ટોબર 15, 2011 at 4:11 એ એમ (am) | Permalink

  પંચમજી,
  અલગ વાત! અલગ રીતે! ને શબ્દોની અસરકારક પસંદગી!!
  દર વખતની જેમ અનોખી રીતે…
  ધન્યવાદ.

 3. Posted ઓક્ટોબર 15, 2011 at 4:57 એ એમ (am) | Permalink

  મોઢે શીકલી બાંધો કે પહેરો લંગોટી,
  પંડના આ ઉકરડા છે હતા ને રહેવાના.
  શ્રી પંચમભાઈ
  આ જગત સાથે જડાઈ ગયેલી વાતોને આપે નવા અંદાજથી ગઝલમાં
  મઢી. આ શેર તો લાજવાબ છે. મજા આવી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. Posted ઓક્ટોબર 15, 2011 at 7:13 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,

  મને સૌથી વધુ ગમ્યો:

  મોઢે શીકલી બાંધો કે પહેરો લંગોટી,
  પંડના આ ઉકરડા છે હતા ને રહેવાના.

  અને

  વેગ સાથે બદલાતા સઢના સર્વ સંયોગો,
  જડભરત આ લંગરડા છે હતા ને રહેવાના.

  નવો કાફ઼િયા.

  આડવાત:
  તમે બે બ્લેઇડ જોઈ છે? રમકડાંમાં પણ ભમરડા તો રહેવાના! મારા છોકરાઓએ એ ખરિદાવી એક મહિનાના બજેટમાં પંચર પાડી દીધું હતું તે બરાબર યાદનો ભમરડો ફરે છે! 🙂

 5. Posted ઓક્ટોબર 15, 2011 at 7:14 એ એમ (am) | Permalink

  આ 12-C શું છે?

  • Posted ઓક્ટોબર 18, 2011 at 1:27 પી એમ(pm) | Permalink

   મને લાગે છે મારે આના પર વધુ કામ કરવું પડશે. આ મિસરાને સરળતાથી સમજાય એવી રીતે મૂકવાનો પ્રયત્ન કરી જોઈશ.

 6. Posted ઓક્ટોબર 15, 2011 at 2:27 પી એમ(pm) | Permalink

  નૈ ભૂલી શકો એને ટેન-પીન બોલિંગથી,
  યાદના આ ભમ્મરડા છે હતા ને રહેવાના. અનોખી ગઝલ…સરસ
  સપના

 7. kishoremodi
  Posted ઓક્ટોબર 15, 2011 at 4:08 પી એમ(pm) | Permalink

  નવીન અભિવ્યક્તિવાળી રચના ગમી.

 8. Dhrutimodi
  Posted ઓક્ટોબર 15, 2011 at 8:40 પી એમ(pm) | Permalink

  સુંદર વ્યગાંત્મક ગઝલ.સમયે સમયે માણસો બદલાય પણ જે સમાજના દુષણો છે એ રૂપ બદલી ને કે પછી એના એ જ સ્વરૂપે રેહવાના. રામચંદ્રજીના જમાનામાં યે હતું અને સોનિયા ગાંધીના રાજમાં યે એજ છે.ભાષા પર અાપનું પ્રભુત્વ જબરું છે.

 9. Posted ઓક્ટોબર 16, 2011 at 1:58 એ એમ (am) | Permalink

  રૂપ રંગ વાઘા બદલાય ને સમય સઘળો
  પાપના આ ભારા તો છે હતા ને રહેવાના

  આદમથી ઓબામા સુધી એજ ચાલતું આવ્યું છે. સુંદર વિચારો મઢી ગઝલ. પંચમભાઈ અદ્બુત.

 10. Posted ઓક્ટોબર 16, 2011 at 6:53 એ એમ (am) | Permalink

  આદરણીય શ્રી પંચમભાઈ,

  વેગ સાથે બદલાતા સઢના સર્વ સંયોગો,
  જડભરત આ લંગરડા છે હતા ને રહેવાના.

  છે હતા અને રહેવાના. ખુબ સરસ રીતે નવીન રચના માનવા મળી.

  શબ્દોની અભિવ્યક્તિ આબાદ ગુથી છે.

 11. Posted ઓક્ટોબર 16, 2011 at 2:02 પી એમ(pm) | Permalink

  વાહ વાહ, કવિ સાહેબ! રંગ રાખ્યો… પંડના આ ઉકરડા છે હતા અને રહેવાના… ક્યા બાત હૈ! સરસ રચના…

 12. Sudhir Patel
  Posted ઓક્ટોબર 16, 2011 at 5:41 પી એમ(pm) | Permalink

  નવીન રદીફ-કાફિયા સાથેની અનોખી ગઝલ!
  સુધીર પટેલ.

 13. Posted ઓક્ટોબર 16, 2011 at 5:46 પી એમ(pm) | Permalink

  આખી રચનામાં ભાવને જે કાબેલિયતથી માવજત મળી છે એ,અને એનાથી અનેકગણા અભિનંદન અલગભાત પાડતા અનોખા રદિફ બદલ…અભિનંદન પંચમભાઇ….

 14. Kirtikant Purohit
  Posted ઓક્ટોબર 17, 2011 at 1:09 પી એમ(pm) | Permalink

  વાહ…પંચમભાઈ,
  કલ્પના,કટાક્ષ અને કાફિયા અનોખી રીતે ગૂંથતી અદભૂત ગઝલ. આફ્રિન..આફ્રિન..
  -કીર્તિકાંત પુરોહિત .

 15. vishveshavashia
  Posted ઓક્ટોબર 18, 2011 at 12:23 પી એમ(pm) | Permalink

  ‘રામબાણ’ શબ્દ બહુધા એકવચનમાં વપરાય છે પણ પંચમભાઇ, આ ગઝલના અશઆર વિષે વાપરીએ તો બહુવચનમાં વાપરવો પડે એમ છે. દરેક શેર સોંસરવો નિકળી જાય એવો છે! Absolutely sensational writing….

 16. Posted ઓક્ટોબર 20, 2011 at 5:19 એ એમ (am) | Permalink

  સરસ ! આ વખતે છંદ અને કવિતા – બંને સરળ અને મજાના… બધા શેર ગમ્યા. તમારી શૈલીની નવીનતા તો ગમે જ છે.

  ઉકરડાવાળો શેર બહુ સારી રીતે ન સમજાયો. શીકલી-લંગોટ અને ઉકરડાનો પૂર્વાપર સંબંધ મગજમાં બેઠો નહીં.

  12-C વાળી વાત પણ પલ્લે ન પડી. તમે બારમા ધોરણમાં C વર્ગમાં હતા? સાઈઝ ઝીરોમાં છંદ ક્ષતિ પણ થતી જણાય છે.

  અંતે, પ્રમથભાઈની વાત વધુ ગમી. ટેન-પીન બૉલિંગ શબ્દ પ્રયોગ આમે ચલણમાં નથી. એક તરફ ભમરડો મૂકીએ તો બીજી તરફ બે-બ્લેડની વાત વધુ જામે છે.

  • Posted ઓક્ટોબર 20, 2011 at 2:53 પી એમ(pm) | Permalink

   વિવેકભાઈ, સમય ફાળવી આટલો વિસ્તૃત અને પ્રામાણિક પ્રતિભાવ પાઠવવા બદલ આભારી છું. પ્રત્યાયન અને છંદ વિશેના નિર્દેશો પુન:મઠારતી વખતે ધ્યાનમાં રાખીશ.

   ‘ઉકરડા વાળો શેર’ ઈન્દ્રિય-બહિર્મુખતા-મલિનતા અને પ્રત્યાહાર-નિગ્રહ-અવગુંઠન સંદર્ભે ફરી જોઈ જવા વિનંતી.

   ’12-C’ અને ‘સાઈઝ ઝીરો’ સ્રી સૌંદર્ય/સૌષ્ઠવ સાથે સંકળાયેલા પશ્ચિમના સંદર્ભો છે.
   ‘સાઈઝ’ શબ્દ અમે જે રીતે સાંભળીએ છીએ એ રીતે ‘ગાલ’ માપમાં છે. એજ રીતે ‘ઝીરો’ પણ પણ ‘ગાલ’ માપમા છે.

   હા, ‘ગુજરાતમાં લખાતી ગુજરાતી ગઝલ’ માટે બૉલિંગ શબ્દ પ્રયોગ ચલણમાં નથી એ વાત સાચી. અમેરિકા, યુકે (અને હવે કદાચ ભારતના શહેરોમાં યુવાવર્ગ માટે) બૉલિંગ શબ્દ અજાણ્યો હોય કે ચલણમાં ન હોય એ મને ઝટ ગળે નથી ઉતરતું. વળી બૉલિંગ સાથે ટેન-પીનનો સંદર્ભ મારી દૃષ્ટિએ આખી રમતને સ્પષ્ટ કરી શકે છે (વધુમાં વિકી લિંક પણ છે જ).
   ગુજરાત બહાર રચાતું ગુજરાતી સાહિત્ય આમેય ડાયસ્પોરાના ખાતામાં ખતવવામાં આવે છે. ગુજરાતમાં લખાતી ગુજરાતી ગઝલ સમય સાથે એક ડગલું આગળ વધે છે તો બે ડગલા પાછળ ખસે છે. મોટાભાગના નવા ગઝલકારોના ચિત્તતંત્ર મરીઝ/ઘાયલ… કે આદિલ/રાજેન્દ્ર …. યુગમાં જ ચકડોળે ચડેલા હોય ત્યાં નવી ગતિ કે મૌલિકતાનું ચલણ દીવો લઈને જ શોધવું પડે.

   પ્રતિભાવનો પ્રતિભાવ આપવા પ્રોત્સાહિત કરે એવા પ્રતિભાવ માટે ફરી એક વાર ખાસ આભાર.

   • himanshupatel555
    Posted ઓક્ટોબર 21, 2011 at 4:28 એ એમ (am) | Permalink

    ગુજરાત બહાર રચાતું ગુજરાતી સાહિત્ય આમેય ડાયસ્પોરાના ખાતામાં ખતવવામાં આવે છે. ગુજરાતમાં લખાતી ગુજરાતી ગઝલ સમય સાથે એક ડગલું આગળ વધે છે તો બે ડગલા પાછળ ખસે છે. મોટાભાગના નવા ગઝલકારોના ચિત્તતંત્ર મરીઝ/ઘાયલ… કે આદિલ/રાજેન્દ્ર …. યુગમાં જ ચકડોળે ચડેલા હોય ત્યાં નવી ગતિ કે મૌલિકતાનું ચલણ દીવો લઈને જ શોધવું પડે.”…..
    અનાથી સારો અભિપ્રાય આપણા કલાપીઓ વિશે ક્યાં મળ્શે ?

 17. Posted ઓક્ટોબર 21, 2011 at 12:15 એ એમ (am) | Permalink

  આદરણીયશ્રી. પંચમ શુકલા સાહેબ

  આપની ગઝલમાં એક નવો જ રાહ જોવા મળ્યો

  મજા પડી, ખુબજ આનંદ થયો સાહેબ

  અમને નવું શીખવાનુ મળ્યું.

 18. himanshupatel555
  Posted ઓક્ટોબર 21, 2011 at 4:23 એ એમ (am) | Permalink

  છે હતા ને રહેવાના.(is,was,will/shall be)
  આપણી હયાતીના ત્રણેવ કાળ કે ત્રણેવ સ્થળના ચીતરડા આપ્ણને સમાજિક વિશ્વ અને વિવિધ વાસ્તવિકતાના વિશ્વમાં આમંત્રણ આપે છે,ત્યારે કૃતિ એના પુનરાવર્તનમાં -છેડામાં-આનંદપૂર્વક આપણી નિશ્ચિત અનિશ્ચિતતાને સ્વીકારે છે જેમ પશુઓ, રિલ્કેના ઑર્ફિયસ વિષેના પહેલા સૉનેટમાં, જે દૈવી મુઝિકમાં હયાત છે અને એમના આંતર સ્વરમાં મંદિર બાંધે છે.આ કૃતિમાં કવિ આપણી ત્રિવિધ સ્થિતિને પાયારૂપ કરી આપણી અનર્થતાનું મંદિર બાંધી આપે છે.ભૂતયોનિથી રમતયોનિ સુધી વિસ્તરતું કાવ્ય આપ્ણું ભેગા થવાનું સ્થળ છે. ભાષા એક singular apt થઈ આપણા વહેંચાઇ ગયેલા સ્વક પર આધિપત્ય મેળવે છે અને wide ranging subjectmatter thaI vistare Che.

  • himanshupatel555
   Posted ઓક્ટોબર 21, 2011 at 4:25 એ એમ (am) | Permalink

   thaI vistare Che.થઈ વિસ્તરે છે( એમ વાંચવું)

 19. Posted ઓક્ટોબર 23, 2011 at 10:34 પી એમ(pm) | Permalink

  Shri Panchambhai

  શુભ દીપાવલિ
  .આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ.

  Ramesh Patel(Aakashdeep)

 20. Posted ઓક્ટોબર 25, 2011 at 5:29 એ એમ (am) | Permalink

  છે, હતા ને રહેવાના જેવા અનોખા રદીફને અવનવા કાફિયા સાથે બખૂબીથી રજૂ કર્યા છે..
  એમાંય
  સાપની જમાત આખી ‘સાઈઝ ઝીરો’ થાશે પણ,
  12-C ના ઉંદરડા છે હતા ને રહેવાના.
  તથા
  પંડના આ ઉકરડા છે હતા ને રહેવાના.
  અને
  યાદના આ ભમ્મરડા છે હતા ને રહેવાના.

  ક્યા બાત હૈ … દરેક વખતની જેમ આ પંચમ ટચ માટે બહુ ગમ્યો..

 21. Posted ઓક્ટોબર 25, 2011 at 6:31 એ એમ (am) | Permalink

  આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 22. Posted ઓક્ટોબર 25, 2011 at 2:13 પી એમ(pm) | Permalink

  પંચમભાઈ,
  આપ સહુને દિવાળી ની શુભકામના!
  નુતન વર્ષાભિનંદન!

 23. chandravadan
  Posted ઓક્ટોબર 26, 2011 at 2:37 એ એમ (am) | Permalink

  Panchambhai,
  DIWALI GREETINGS !
  HAPPY NEW YEAR !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar !

 24. Posted ઓક્ટોબર 27, 2011 at 11:53 એ એમ (am) | Permalink

  આદરણીય સાહેબશ્રી

  આપને માટે 2068 નું વર્ષ ખુબજ ફળદાયી, સુખમય અને

  આનંદમય નીવડે તેવી શુભકામનાઓ

 25. Posted માર્ચ 2, 2012 at 4:48 એ એમ (am) | Permalink

  પંચમજી,
  આપના ભાષા વૈભવ અને કલ્પનાશક્તિની વિરાટતા સામે થોડી ક્ષણ તો દિગ્મૂઢ જ થઇ જવાય છે!!!
  મોઢે શીકલી બાંધો કે પહેરો લંગોટી,
  પંડના આ ઉકરડા છે હતા ને રહેવાના.
  વેગ સાથે બદલાતા સઢના સર્વ સંયોગો,
  જડભરત આ લંગરડા છે હતા ને રહેવાના.
  ઉત્તમ!!!
  સમય મળે તો મારા બ્લોગ http://www.inkandi.com ની મુલાકાત લેશો.
  આપનું માર્ગદર્શન ક્યાંક આગળ લઇ જાય મને!!


One Trackback/Pingback

 1. […] છે હતા ને રહેવાના Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true};♥ પંચમ શુક્લ ભૂત, પ્રેત, વ્યંતરડા છે હતા ને રહેવાના, મંત્ર, તંત્રના ભરડા છે હતા ને  રહેવાના. મોઢે શીકલી બાંધો કે પહેરો લંગોટી, પંડના આ ઉકરડા છે હતા ને રહેવાના. સાપની જમાત આખી ‘સાઈઝ ઝીરો’ થાશે પણ, 12-C ના ઉંદરડા છે હતા ને રહેવાના. વેગ સાથે બદલાતા સઢના સર્વ સંયોગો, જડભરત આ લંગરડા છે હતા ને રહેવાના. નૈ ભૂલી […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: