જાત જરા ઢંઢોળો જદુપતિ

♥ પંચમ શુક્લ

જાત જરા ઢંઢોળો જદુપતિ, જરાક ખુદને પૂછો: જાગો છો કે ઊંઘો છો કે મૂર્છામાં શું છો?

ખોફનાક આ વળાંક ઊપર વાટ નીરખતી ઊભી છે રકઝક;
ડુંગરની પાછળ ડૂબ્યા છે રંગકેસરી વરતારા અણથક,
વટેમારગુ શોધે કોને?
બધા ભોમિયા પડછાયાનાં સૂતક ઓઢીને ગયા ક્યાંક લંબાઈ મૂંડાવી મૂછો.

જાત જરા ઢંઢોળો જદુપતિ, જરાક ખુદને પૂછો: જાગો છો કે ઊંઘો છો કે મૂર્છામાં શું છો?

ભાષાના ભરૂચીઓની કાજુ જેવી શીંગ ભરેલી ફૂટી બરણી કે ફૂટી અક્કરમીને પડિયે કાણા તળિયાની કોતરણી;
હૃસ્વ દીર્ઘનાં લવણ ફોતરે સબરસની રસઝરતી ખરણી;
ખાટસવાદી ખિસકોલીઓ ખોરું ખોરું ખરખોલીને ગઈ ખેરવી જોડણીઓ કણી કણી,

શેષફણા પર શીશ પછાડી, દ્વિશાખી હર જીભ પલાળી દિવેલ-લાળે શબ્દકોષને ચાટી ચાટી લૂછો!
જાત જરા ઢંઢોળો જદુપતિ, જરાક ખુદને પૂછો: જાગો છો કે ઊંઘો છો કે મૂર્છામાં શું છો?

ભોંયરીંગણી ભોંય વસૂકે અને ધરાતલ ચડે ઊબકે, આંતરડે વળ ખાય ધતૂરી ઝાંય;
રત્નાકરનું ભરી છાલિયું ગળે જટાજૂટ ગટગટ ત્યાંતો કાય ધરૂજે, ગરલ હળાહળ કંઠ મહીં અટવાય,
માનવ, દાનવ, દેવ બધાએ ઝેરકોચલે મગજમેટ થઈ જોયા કરતા લટકાળી આ કમર પાતળી પર ઝૂલંતો ગુપત-ગરથનો ગૂછો.
જાત જરા ઢંઢોળો જદુપતિ, જરાક ખુદને પૂછો: જાગો છો કે ઊંઘો છો કે મૂર્છામાં શું છો?

૧૮/૭/૨૦૦૯

Advertisements

21 Comments

 1. Posted July 1, 2011 at 12:31 am | Permalink

  સરસ રચના અમૂક શબ્દોના અર્થ ના સમજાયા…
  સપના

 2. Posted July 1, 2011 at 12:48 am | Permalink

  પ્રલંબ પરંપરિત કટાવ છંદ ને ભાષાનું ભાતીગળ પોત ! પંચમભાઈ, તમે શબ્દને સરસ રમાડી શકો છો.

  જોકે મને આ બધાં પ્રતીકો સમજાતાં નથી. મારી જેમ ઘણાંને એમ થતું હશે. તમારાં અને હીમાંશુભાઈનાં કાવ્યોમાં કેટલુંક એવું હોય છે, જેને નારિકેલ પાકની માફક પામતાં પહેલાં કષ્ટ લેવું પડે. હું તો બન્નેને વિનવું કે કેટલુંક પ્રાસ્તાવિક આપીને આ પ્રતીકો–કલ્પનોને સહેલાં કરો તો વાચકો આવી ઉત્તમ રચનાને ભરપૂર માણે.

  તમારી શબ્દ પસંદગી ગજબની હોય છે. તળપદી શબ્દશક્તિ તો ઊડીને આંખે જ વળગે તેવી હોય છે.

 3. Posted July 1, 2011 at 1:41 am | Permalink

  ઘણી જ મનનીય વાત અવલોકી ઘૂંટી અને કાવ્ય તત્ત્વથી મઢી.એક પ્રેરણાદાયી નવતર
  રચના.શ્રી પંચમ શૈલીનો એક ઘોષ.
  અભિનંદન એક નવા રાહના રાહબરને.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. sudhir patel
  Posted July 1, 2011 at 2:35 am | Permalink

  વાહ, પંચમદા!

  અનોખો મિજાજ અને લય ધરાવતું નવીન ગીત!

  સુધીર પટેલ.

 5. Posted July 1, 2011 at 2:51 am | Permalink

  વાહ પંચમભાઈ! બહુ જ સુંદર રચના છે. I would have loved to read something like this in my school day’s textbook. It’s refreshingly different and thought provoking. Great! Thanks for sharing.

 6. Posted July 1, 2011 at 4:03 am | Permalink

  ખૂબ જ ચબરાક રચના ! જાતને ઢંઢોળી ગઈ !

  અભિનંદન પંચમભાઈ !

 7. Posted July 1, 2011 at 5:07 am | Permalink

  verry nice pancham ji…

 8. chintan
  Posted July 1, 2011 at 6:10 am | Permalink

  આટલું સમજ્યો,

  પ્રથમ બંધ આયુશ્યનાં અવશેષે, કોઈ થાક્યાં વીર નું મન.
  બીજો બંધ ભાષાનાં પ્રપંચીઓ પર વ્યંગ, (એક નજરે આપે સ્વ ઉપર પણ કર્યું હોય તેમ આગ્યું)
  ત્રીજો આખરી બંધ જાણે કવિતાનું નિર્વાણ લાગ્યો…

  માનવ, દાનવ, દેવ બધાએ ઝેરકોચલે મગજમેટ થઈ જોયા કરતા લટકાળી આ કમર પાતળી પર ઝૂલંતો ગુપત-ગરથનો ગૂછો.

  અહીં મોક્ષ થયો કવિતા નો અર્થ ની દ્રષ્ટિ એ……

  (અહીં મારી સમજણ કાચી છે જ અને ભૂલો પણ હશે જ આપ વધુ પ્રકાશ પાડી આપો તો વધુ સમજણ પડશે.)

  આભાર
  ચિંતન

 9. Siraj Patel
  Posted July 1, 2011 at 11:31 am | Permalink

  ભાષાના ભરૂચીઓની કાજુ જેવી શીંગ ભરેલી ફૂટી બરણી કે ફૂટી અક્કરમીને પડિયે કાણા તળિયાની કોતરણી;
  હૃસ્વ દીર્ઘનાં લવણ ફોતરે સબરસની રસઝરતી ખરણી;
  ખાટસવાદી ખિસકોલીઓ ખોરું ખોરું ખરખોલીને ગઈ ખેરવી જોડણીઓ કણી કણી,
  શેષફણા પર શીશ પછાડી, દ્વિશાખી હર જીભ પલાળી દિવેલ-લાળે શબ્દકોષને ચાટી ચાટી લૂછો!
  જાત જરા ઢંઢોળો જદુપતિ, જરાક ખુદને પૂછો: જાગો છો કે ઊંઘો છો કે મૂર્છામાં શ
  Something new, impressive and exclusive. Pancham you deserve all the praise from every corner.
  Siraj Patel “Paguthanvi”
  Secretary
  Gujarati Writers’Guild-UK (Estd:1973)

 10. Posted July 1, 2011 at 2:54 pm | Permalink

  ત્રણે કડીમાં જદુપતિને જુદા જુદા પ્રભાતિયાં?
  એકમાં યંત્રણા, બીજામાં સંસ્કૃતિહ્રાસ, ત્રીજામાં કડવાશ.
  સાચું સમજ્યો?

 11. himanshupatel555
  Posted July 1, 2011 at 3:55 pm | Permalink

  આગળના કાવ્યોમાં કહ્યું છે તેમ જ્યારે ભાષા કે તેમાં ધ્વનિ કે સ્ફોટ
  મેટાફોરિક સ્વરુપ પકડે ત્યારે તે ચોક્કસ ‘નારિકેલપાક’જેવી લાગે.
  અહીં પ્રતિકોને સ્વતંત્ર એકમ સ્વરુપે ન જોવાય પણ મને લાગે છે કે
  આ રચનામાં જક્ષ્ટાપોઝીશનનું મહત્વ વધારે છે જ્યાં બે ઇમેજને સાથે મૂકી કવિ નવ્ય સંદર્ભ રચી આપે છે જે વક્રોક્તિ પેદા કરે છે અથવાતો અનૂભૂતિની ઇલાસ્ટિસીટી ઉભી કરી આપે.
  ખૂબ ગમ્યું આ ભાષાકર્મ એની લવચીકતામાં…

 12. Posted July 2, 2011 at 7:26 am | Permalink

  પંચમભાઈ લખતી વખતે કયી કલ્પનાસૃષ્ટિમાં હતા એ તો તેઓ કહે ત્યારે જ ખબર પડે. પણ આ રચના મનોમન વાંચતા એકાએક ભવાઈનું વાતાવરણ અને પાત્રોના અભિનય આંખ સામે તાદૃશ્ય થયા..નાના હતા ત્યારે ભવાઈ સમયાંતરે જોવા મળતી, હવે તો એ જાણે અદૃશ્ય થઈ ગઈ છે… ત્રણેય કડીમાં પ્રથમ કડી સૌથી વધુ ગમી .. સરળતા અને સાહજિકતા બંનેને લીધે. આવું પદ્યવૈવિધ્ય બહુ ઓછી કલમે નીપજે …

 13. Posted July 3, 2011 at 4:29 am | Permalink

  આદરણીયશ્રી. પંચમ શુકલ સાહેબ

  સુંદર મિજાજી રાચના

  મજા પડી ગઈ સાહેબ

  ડૉ.કિશોરભાઈ પટેલ

 14. Kirtikant Purohit
  Posted July 3, 2011 at 10:32 am | Permalink

  Aceepting comments of all friends and writing ‘Ditto’ under the same I would say,very few can match this style,’lay’ as well as depth. Bravo…

 15. Posted July 4, 2011 at 7:40 am | Permalink

  very good rythemic and meaningful geet. like to repeat again and again.

  congrats.

 16. Posted July 7, 2011 at 12:15 am | Permalink

  Thanks.. Khoob saras..

 17. Posted July 8, 2011 at 9:57 am | Permalink

  ઊંડી કલ્પનાસૃષ્ટિને સમજતાં થોડીક મથામણ પડી, પરંતુ ઊડાણનો અચરજભર્યો અનુભવ નાવિન્યતામય છે.

 18. Posted July 28, 2011 at 11:49 pm | Permalink

  આ જદુનાથ તે કોણ? સ્વયં કવિશ્રી કે ભાવક કે પછી અજરામર સરસ્વતીના જન્મદાતા બ્રહ્માજી કે પછી શબ્દબ્રહ્મ ? અનેક વિકલ્પો છે અને તે સઘળા સાચી દિશામાં લઈ જતાં લાગે છે ! અહીંયાં કવિકર્મનો મહિમા છે. એવી જ રીતે કવિતાનો વિષય કવિતા છે કે ભાષા છે ? કે પછી કશું અન્ય? આ પ્રશ્નોના ઉત્તર મેળવવામાં જે મથામણ થાય છે -કે પછી થતી લાગે છે ત્યાં જ કવિતા છે તેમ મને લાગે છે. બાકી તો છે કટાવની ચાલે ચાલતી ચંચળ છતાં ગંભીર, સરળ પણ સાથે થોડી પક્કી નખશિખ ગુજરાતી કવિતા. આ
  કવિતાનો ‘અર્થ’ શો થાય? એ જે આપણને ગળથૂથીમાં મળ્યું છે તે અહીં પાયામાંથી હચમચી જાય છે તે વિશેષ નોંધપાત્ર. અસ્તુ.

 19. Posted August 9, 2011 at 5:36 am | Permalink

  પંચમજી તમે શબ્દોના ધની છો તેવું મેં આ પહેલા ઘણીવાર પ્રતિભાવમાં વ્યક્ત કર્યું છે.હવે તો એક નવો વિચાર જાગ્યો છે કે તમારી રચનાઓમાંનાં શબ્દોનો એક અલગ શબ્દકોષ હોય તો અમને તે મ્હાણવાનો એક અનોખો જ આનંદ મળે. હદયથી ખરેખર…

 20. Posted August 14, 2011 at 11:44 am | Permalink

  સાચે જ પંચમદા એમ ને એમ થોડા કહેવાયા?

 21. Posted February 22, 2012 at 3:28 pm | Permalink

  ઓપિનિયનમાં તમારી કવિતા જોઈ તે પછી ફરી અહીં આવ્યો. વાંચીને મઝા આવી. વધારે કશું નહીં કહું. કહીશ તો તમે કહેશોઃ “બોબડાને શબ્દો ફૂટયા!”


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: