બાથટબમાં માછલી છે

♥ પંચમ શુક્લ

ચંચલી છે, મનચલી છે, બાથટબમાં માછલી છે*,
ક્રીડતી કો  જલપરી છે, બાથટબમાં માછલી છે!

એય ડૂબે, હુંય ડૂબું, બેય ડૂબીને શ્વસીએ,
પંતિયાળી ચૂઈ મળી છે, બાથટબમાં માછલી છે!

મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ…
ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!

એ સુનેરી, હું મટેરી, રંગહીન સામિપ્ય વચ્ચે
જળની કેવળ ચામડી છે, બાથટબમાં માછલી છે!

વાયુની કો સ્નિગ્ધ લહેરી, મખમલી સંસ્પર્શ અંતે,
બસ ફીણાળી લાગણી છે, બાથટબમાંમાછલી છે!

૧૭/૧૨/૨૦૧૦

છંદોવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

શબ્દાર્થ:

પંતિયાળું: ઘણા જણનું સહિયારું

ચૂઈ: માછલાંની શ્વાસ લેવાની ઇંદ્રિય, કેટલાંક પંખીની ચાંચ નીચે લટકતી લાલ ચામડી

મટેરી: માટી જેવા રંગવાળું

* અર્પણ: કવિશ્રી લાભશંકર ઠાકરને 

Advertisements

29 Comments

 1. sudhir patel
  Posted January 1, 2011 at 12:15 am | Permalink

  Vaah! Wonderful Ghazal!!
  Congratulations for your creativity!!
  Sudhir Patel.

 2. Posted January 1, 2011 at 12:22 am | Permalink

  એ સુનેરી, હું મટેરી, રંગહીન સામિપ્ય વચ્ચે-
  જળની કેવળ ચામડી છે, બાથટબમાં માછલી છે!

  મસ્ત શેર થયો છે.

  આખી ગઝલ ગમી ગઇ!

 3. Posted January 1, 2011 at 12:37 am | Permalink

  બાથટબમાં માછલીની સાથે પરપોટા જેવા જીવનનું આનંદી ગાંભીર્ય તેમ જ ફીણાળી લાગણી અને જળની ચામડી જેવા રૂપકો ચમત્કૃતિ સર્જે છે.બહુ સુંદર ગઝલ ! ધન્યવાદ.

 4. Posted January 1, 2011 at 1:17 am | Permalink

  આ ગઝલને નખશિખ સુંદર ગઝલ કહેવી પડે તેવી બની છે. કોઈ એક શેર ટાંકવો મને અઘરો લાગે છે એટલે આખેઆખી ગઝલ મૂકવી છે:

  ચંચલી છે, મનચલી છે, બાથટબમાં માછલી છે,
  ક્રીડતી કો જલપરી છે, બાથટબમાં માછલી છે!

  એય ડૂબે, હુંય ડૂબું, બેય ડૂબીને શ્વસીએ,
  પંતિયાળી ચૂઈ મળી છે, બાથટબમાં માછલી છે!

  મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ,
  ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!

  એ સુનેરી, હું મટેરી, રંગહીન સામિપ્ય વચ્ચે-
  જળની કેવળ ચામડી છે, બાથટબમાં માછલી છે!

  વાયુની કો સ્નિગ્ધ લહેરી, મખમલી સંસ્પર્શ અંતે,
  બસ ફીણાળી લાગણી છે, બાથટબમાંમાછલી છે!

 5. Posted January 1, 2011 at 1:31 am | Permalink

  મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ,
  ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!

  વાયુની કો સ્નિગ્ધ લહેરી, મખમલી સંસ્પર્શ અંતે,
  બસ ફીણાળી લાગણી છે, બાથટબમાં માછલી છે!

  બાથટબમાં માછલી છે – એવા strange કહી શકાય તેવા રદીફને પણ ભરપૂર ન્યાય મળે તેવા સુંદર શેર.. મજાની ગઝલ.

 6. Vivek Kane 'Sahaj'
  Posted January 1, 2011 at 4:40 am | Permalink

  સાવ નવીન રદીફ. અને ‘મટેરી’ શબ્દનો પણ જવાબ નથી. મેં પહેલી જ વાર સાંભળ્યો. જો પંચમદા એ કોઈન કર્યો હોય તો ખાસ અભિનંદન. કોઈ પણ ભાષા આમ જ સમૃદ્ધ થતી જતી હોય છે.

 7. Posted January 1, 2011 at 5:03 am | Permalink

  બહુ જ સુંદર ગઝલ થઇ છે. દરેક શેર સરસ છે અને તમારું ભાષાકર્મ તો સરસ હોય જ છે. ‘બાથટબમાં માછલી’ લખાયાના વર્ષો પછી તેનો એક નવો જ અનુભવ, નવી જ ઓળખ ધરાવતી રચના. તે પેલા મૂળ વિચારને યાદ તો કરાવે છે પણ પોતાની રીતે સ્વતંત્ર રચના બનવા માટે પણ સક્ષમ છે. પેલી ‘ગઝલ’ વિષે ફેસબુક પર થયેલી ચર્ચા યાદ પણ આવી. ગઝલકાર છેવટે ગઝલ લખે અને એવી મજબૂત લખે કે કોઈ ‘(રે) મઠ’ વાળા તેની સૂગ રાખે તો તે ‘નાના’ ગણાય… :)))
  Happy New Year!!!

 8. Posted January 1, 2011 at 6:20 am | Permalink

  પ્રિય શ્રીપંચમભાઈ,

  આ સુંદર ગઝલની રચના સમયે, આપના કલ્પના વિહારી મનોભાવનું હું અનુમાન કરી નથી શકતો એ મારી મર્યાદા છે.

  અભિનંદન.

  માર્કંડ દવે.

 9. Kirtikant Purohit
  Posted January 1, 2011 at 7:52 am | Permalink

  નવી તરાહને ઉજાગર કરતી અને નવતર ભાત પાડ્તી ગઝલ માટે પંચમભાઇને અભિનંદન.નવી સાલ મુબારક.

 10. Posted January 1, 2011 at 12:56 pm | Permalink

  મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ,
  ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!

  વાયુની કો સ્નિગ્ધ લહેરી, મખમલી સંસ્પર્શ અંતે,
  બસ ફીણાળી લાગણી છે, બાથટબમાં માછલી છે!
  very nice beautiful…enjoyed each and every line …

 11. pragnaju
  Posted January 1, 2011 at 1:23 pm | Permalink

  સુંદર ગઝલ
  વાયુની કો સ્નિગ્ધ લહેરી, મખમલી સંસ્પર્શ અંતે,
  બસ ફીણાળી લાગણી છે, બાથટબમાંમાછલી છે!
  દરિયો ફીણાળી લિપિમાં ઉત્તરો લખીલખીને નિસાસા સાથે ભૂંસી નાખે છે ત્યારે
  અહીં સ્નિગ્ધ લહેરી અને મખમલી સંસ્પર્શ સાથે ફીણાળી લાગણી…
  અનુભૂતિનો વિષય છે

 12. dhruti modi
  Posted January 1, 2011 at 2:28 pm | Permalink

  એકી શ્વાસે વાંચી જ જવું પડે, એવી સુંદર ગઝલ. શબ્દોની રચના અદ્ભુત છે. પહેલો શે’ર ,છેલ્લો શે’ર એના ઉદાહરણ છે. સાથે સાથે પંચ તત્વોની વાત પણ પંચમભાઇએ સુંદર રીતે વણી લીધી છે. સ-રસ પ્રયોગ.

 13. kishoremodi
  Posted January 1, 2011 at 3:04 pm | Permalink

  ઘણી સરસ ગઝલ ગમી.અભિનન્દન

 14. Posted January 1, 2011 at 4:14 pm | Permalink

  રદીફની નાવીન્યતા ગમી ગઈ. બધા જ શેર સરસ થયા છે.ભાષા કર્મને સલામ.

 15. Posted January 1, 2011 at 10:34 pm | Permalink

  પંચમભાઈ,

  “ફાની દુનિયામાંય તોફાની ‘બાથ’ ભીડે છે,
  બાથટબની તમારી આ તે કેવી માછલી છે?”

  ટીક-ટીકથી તરતી ને ઉચ્છવાસે ઉંચે ઉછલી!?!
  બાથટબની તમારી આ (અ)નોખી માછલી છે!

 16. himanshupatel555
  Posted January 2, 2011 at 12:57 am | Permalink

  ઇ અને ઉ ના આવર્તનોથી અને વચ્ચે વચ્ચે ઓ તથા આ ના થડકા એના ઉચ્ચારોમાંથી ઉદભવતા
  લય-ડાલમડોલમ-ને, ગ્રોટોવ્સ્કીની ફિઝિકલ થિયરીને,ભાષાની દરેક ઑળખમાં સાકાર કરી આપે છે.
  ચંચલી છે, મનચલી છે, બાથટબમાં માછલી છે,
  ક્રીડતી કો જલપરી છે, બાથટબમાં માછલી છે!
  (આમાં ઇ અને આ ના આવર્તન)
  મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ…
  ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!
  (આમાં ઉ-ઓ-ઇ અને આ ના આવર્તનો).
  મર્યાદિત ક્ષણભંગુરતાને-પેલા પરપોટા સમ
  દેખાઈ વિસ્મૃત થવું તે.-તરતી માછલીથી
  પરપોટા નીચે ઉદભવતી ગતીને, જે સ્વયં ક્ષણજીવી છે,ગઝલ-કાવ્ય-સાદૃષ્ય કરી આપે છે
  અને તે જ આ કૃતિનું હાર્દ છે.

 17. Posted January 2, 2011 at 4:11 am | Permalink

  વાહ….
  એકસાથે કેટલું ય નાવિન્ય લઈને આવી છે ગઝલ..!
  રદિફ,પ્રતિકો,ભાવ,અભિવ્યક્તિ બધુંજ લા-જવાબ.
  એમાંય,
  જળની કેવળ ચામડી છે, અને બસ ફીણાળી લાગણી છે,-તો બહુજ ગમ્યું પંચમભાઇ…

 18. chandravadan
  Posted January 2, 2011 at 7:02 am | Permalink

  Read the Post !
  Liked the Gazal !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)

 19. Posted January 3, 2011 at 2:28 pm | Permalink

  વાહ વાહ …મઝાની ગઝલ…તો ખરી અને સાથે સાથે નવો રદીફ અને શબ્દોની સમ્રુધ્ધી સતત છલકાય છે…આવા નવા નવા પ્રયોગો ગમે છે…

 20. Posted January 3, 2011 at 3:13 pm | Permalink

  દર વખતની માફક અનોખી રચના. હિમાંશુભાઈનો પ્રતિભાવ પણ સહાયક રહ્યો.

 21. Posted January 3, 2011 at 3:21 pm | Permalink

  સુંદર ગઝલ-કાવ્ય !
  નાવિન્ય સાથે સ-રસ અભિવ્યક્તિ !
  આનંદ થયો.
  અભિનંદન !

 22. Posted January 5, 2011 at 10:49 am | Permalink

  રંગહીન સામિપ્ય વચ્ચે-
  જળની કેવળ ચામડી છે….

  આ કલ્પન બહુ ગમ્યું..
  ’બાથટબમાં માછલી.’ નિશાન ક્યાં તાક્યું છે ?

  લતા હિરાણી

 23. Posted January 5, 2011 at 11:39 am | Permalink

  “બાથટબમાં માછલી” – લાભશંકર ઠાકરના એબ્સર્ડ નાટકસંગ્રહનું પણ નામ છે. મેં વાંચ્યો નથી.
  આ ગઝલમાં ભાષાકર્મ ગમ્યું.

 24. Posted January 5, 2011 at 9:27 pm | Permalink

  સરસ ચંચલ અને ભીંજાતી લાગણીસભર ગઝલ. સહિયારાપણાની વિટંબણા અને આનંદ બંને નિભાવી જાણે તો જ સબંધ યથાર્થ બને.

  મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ…
  ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!

 25. વિહંગ વ્યાસ
  Posted January 6, 2011 at 2:50 am | Permalink

  સુંદર ગઝલ. તમે પ્રયોગશીલ છો, પ્રયોગખોર નથી એટલે મજા આવે છે પંચમભાઇ.

 26. Posted January 6, 2011 at 4:10 am | Permalink

  માછલીનું પ્રતિક પોતામાં રમતું કરી દીધું અને પરપોટા જેવું જીવન સાથોસાથ ચીતરી દીધું.
  લાગી કે આ શ્રી પંચમભાઈની ગઝલ છે. ખૂબ ખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 27. Posted January 9, 2011 at 9:35 am | Permalink

  મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ…
  ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!

  ઉંડી વાત, રમતીયાળ શૈલી. વાહ પંચમભાઈ.

 28. jjugalkishor
  Posted January 23, 2011 at 2:16 am | Permalink

  બાથટબથી વિશાળ જળરાશિ સુધી વાચક ખેંચાઈ જાય છે.

  ટબ તે ટબ નથી રહેતું, માછલી તે ફક્ત માછલી નથી રહેતી, શબ્દો ફક્ત શબ્દો ન રહેતાં ભાષાની ચમત્કૃતિભરી શક્તિઓને પ્રગટ કરનારા બની રહે છે.

  નેટ પર ક્યારેક ક્યારેક ચમત્કારો સર્જાતા રહે છે…આ રચના એમાંની એક.

 29. Posted મે 20, 2011 at 3:19 am | Permalink

  મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ,
  ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!

  વાયુની કો સ્નિગ્ધ લહેરી, મખમલી સંસ્પર્શ અંતે,
  બસ ફીણાળી લાગણી છે, બાથટબમાં માછલી છે!

  khub j saras.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: