નઈ શકે

પંચમ શુક્લ

ધરાને પૂર્ણ રૂપે સૂર્ય આંજી નઈ શકે,
અવ્યક્તને બધેથી  વ્યક્ત આંબી નઈ શકે.

એ અબ્ધિને વળોટવાય સેતુ જોઈશે,
સતત તો મારુતિય એ છલાંગી નઈ શકે.

વદન છે રાખ-વાદળો ને ડોક  અગ્નિની,
જ્વાળામુખીને કોઈ કંઠી બાંધી નઈ શકે.

કરાગ્રથી અનુભવી શકાય તોય બહુ,
હવાની એ  છબીને હાથ ટાંગી નઈ શકે.

છપાઈ-ને-પઢાઈ-ને-ચિરાઈ જાય જે,
એ શબ્દને જગતનું મૌન સાંધી નઈ શકે.

૨૪-૫-૨૦૧૦

છંદોવિધાન :  લગા લગા લગા લગા લગા લગા લગા (સારી એવી છૂટછાટ સાથે)


Advertisements

24 Comments

 1. Posted November 15, 2010 at 1:10 am | Permalink

  વાહ! આનાથી નાજુક કોઈ કાંતી નઈ શકે!

 2. Posted November 15, 2010 at 2:26 am | Permalink

  ગઝલને ગદ્ય સુધી લઈ આવવાની ઈચ્છા જ કાબીલે દાદ તો ગણાય જ પરંતુ એ પ્રયાસ સામા પ્રવાહે તરવા જેવી વાત છે. ગઝલમાં સૌથી વિશેષ તો બે બાબતો જોવાતી હોય છે.એક તો ગેયત્વ અને બીજી નિરુપાયેલી ભાષા- જે ગઝલને તેની ગઝલિયત જાળવવામાં કોઈ ને કોઈ રીતે સહાયક બનતી હોય છે. આમેય ગઝલ ઓન ધ સ્પોટ અર્થ-બોધની દેવાદાર માની લેવામાં આવી છે એટલે વિચાર કે પછી ભાષાને કારણે જણાતી ક્લિષ્ઠતા ગઝલકારને ના જ પરવડે. મને યાદ છે શરુ શરુમાં ચિનુભાઈ,રાજુભાઈને તેમની સંસ્ક્રૂત- પરસ્તી બદલ ટોકતા! ખેર,આપણા આદી કવિએ કહ્યું છે- જગત કાજી બની તું વહોરી ના પીડા લેજે! લો, હું તો માની ગયો તો, તમે પણ એજ લયમાં આને લખી દો તો કેવું ?

  ભરત ત્રિવેદી

  • Posted November 15, 2010 at 1:32 pm | Permalink

   તમે ઘણી બધી પાયાની વાત કરી છે. આ બધા તત્વોને ધ્યાનમાં રાખીને જ હું લખતો હોઉં છું. જો કે એ ઉપરાંત નીચે મુજબની કેટલીક બાબતો મારા માટે મહત્વની છે.

   – ગઝલનો બાહ્ય આકાર ધરાવતું કાવ્ય મુશાયરા કેન્દ્રિત પ્રત્યાયનને અતિક્રમી કવિતા પણ બની શકે એમ છે કે નહીં એ શક્યતા તપાસવી.
   – ભાષા સતત બદલાતી હોય છે. નવા, જૂના કે અન્ય ભાષાના શબ્દોના અર્થો અને અર્થચ્છાયાઓ કાવ્યને ઉપકારક પણ થતા હોય છે.

   – મોટા કવિઓ એમના જ્ઞાન, પ્રજ્ઞા અને સ્વભાવ મુજબ જુદી જુદી શૈલિ અપનાવતા હોય છે. આપણે તો આપણી બુદ્ધિથી આપણને અનુકૂળ પડે એમ કરીએ.

 3. Posted November 15, 2010 at 3:28 am | Permalink

  વાહ પંચમભાઇ…
  આખેઆખી ગઝલ બહુ સરસ થઈ છે…પણ,
  જ્વાળામુખીવાળો શેર વધારે ગમ્યો – અભિનંદન(રાજકોટથી…!)

 4. sudhir patel
  Posted November 15, 2010 at 4:19 am | Permalink

  તમારો આગવો મિજાજ ધરાવતી ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 5. Posted November 15, 2010 at 5:15 am | Permalink

  વદન છે રાખ-વાદળો ને ડોક અગ્નિની,
  જ્વાળામુખીને કોઈ કંઠી બાંધી નઈ શકે.

  વાહ, એકદમ અનોખી અભિવ્યક્તિ … સુંદર ગઝલ.
  છલાંગી નઈ શકે – શબ્દપ્રયોગ જરાક નવો લાગ્યો. પણ નવા શબ્દો ન જડે તો પંચમભાઈ હોય નઈ શકે … ખરું ને?
  🙂

 6. pragnaju
  Posted November 16, 2010 at 1:24 pm | Permalink

  submit problem
  સુંદર ગઝલ.
  કરાગ્રથી અનુભવી શકાય તોય બહુ,
  હવાની એ છબીને હાથ ટાંગી નઈ શકે.

  છપાઈ-ને-પઢાઈ-ને-ચિરાઈ જાય જે,
  એ શબ્દને જગતનું મૌન સાંધી નઈ શકે.

  વાહ,

  સુંદર અભિવ્યક્તિ

 7. Kirtikant Purohit
  Posted November 16, 2010 at 4:25 pm | Permalink

  કરાગ્રથી અનુભવી શકાય તોય બહુ,
  હવાની એ છબીને હાથ ટાંગી નઈ શકે.

  આ શેર સૌથી વધારે ગમ્યો.શામાટે પ્રથાચીલાચાલુ જ
  અપનાવવી? આપણી પ્રથા કેમ નહિ?

 8. readsetu
  Posted November 16, 2010 at 5:43 pm | Permalink

  કરાગ્રથી અનુભવી શકાય તોય બહુ,
  હવાની એ છબીને હાથ ટાંગી નઈ શકે.

  છપાઈ-ને-પઢાઈ-ને-ચિરાઈ જાય જે,
  એ શબ્દને જગતનું મૌન સાંધી નઈ શકે.

  આખી ગઝલ ઉત્તમ બની છે પણ આ બંને શેર ખૂબ ગમ્યા..

  એક વાત. ‘નઇ શકે’ ને બદલે ‘નહિ શકે’ અથવા ‘નૈ શકે’ કેમ લાગે છે ? જો કે તમે એ બાબત વિચાર્યું જ હશે..

  Lata Hirani

 9. Posted November 17, 2010 at 2:38 am | Permalink

  આદરણીય શ્રી પંચમભાઈ,

  વદન છે રાખ-વાદળો ને ડોક અગ્નિની,
  જ્વાળામુખીને કોઈ કંઠી બાંધી નઈ શકે.

  આશેર ખુબ જ ગમ્યો. બેનમુન ગઝલ માણવા મળી.

  વાહ પંચમભાઈ વાહ. ધન્યવાદ.

 10. Posted November 17, 2010 at 5:52 am | Permalink

  ek dam saras…

 11. Posted November 20, 2010 at 2:09 pm | Permalink

  વદન છે રાખ-વાદળો ને ડોક અગ્નિની,
  જ્વાળામુખીને કોઈ કંઠી બાંધી નઈ શકે…..
  વાહ વાહ …બહુ જ સરસ ગઝલ …નવા નવા શબ્દો સાથે સુંદર ગઝલ માણવા મળી…

 12. himanshupatel555
  Posted November 22, 2010 at 1:09 am | Permalink

  દર વખતની જેમ આમાં પણ ભાષા નિરાળી
  છે. મારા એક કાવ્યમાં મે લખ્યું છે -જે શબ્દો ભૂલાઈ જાય છે તેના અર્થોનું શું થતું હશે !અર્વાચીન કાવ્યનું કમ જ એ છે ભૂસાયેલા સ્વરૂપને ફરી વ્યક્ત કરવું અને તમારા કાવ્યોમાં (ભૂલ્યો ગઝલમાં !?)એ
  ખૂબ જ કાંતણપૂર્વક થાય છે.-
  છપાઈ-ને-પઢાઈ-ને-ચિરાઈ જાય જે,
  એ શબ્દને જગતનું મૌન સાંધી નઈ શકે.
  ભાષાની સ્ફોટ શક્તિને-ભર્તૃહરીએ જણાવેલી-અનાથી વેશેષ કઈ રીતે અભિવ્યક્ત કરાય !!

 13. Posted November 23, 2010 at 3:46 pm | Permalink

  વાહ,સુંદર અભિવ્યક્તિ.

 14. hiral
  Posted November 24, 2010 at 5:22 pm | Permalink

  for few minutes, I was just lost in your abstruse words. this one is too good.

 15. Ramesh Patel
  Posted November 28, 2010 at 3:17 am | Permalink

  શ્રી પંચમભાઈ
  શબ્દ એની રોનકતા સાથે કહેવા મથતા દરેક શેરમાં અનુભવ્યા.
  સરસ ગઝલ અને આગવો અંદાજ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 16. Posted December 1, 2010 at 1:29 am | Permalink

  આખી ગઝલ બહુ ગમી પણ નીચેનો શેર વધારે ગમ્યો.

  છપાઈ-ને-પઢાઈ-ને-ચિરાઈ જાય જે,
  એ શબ્દને જગતનું મૌન સાંધી નઈ શકે.

 17. Posted December 1, 2010 at 12:55 pm | Permalink

  અઘરા છંદમાં સુંદર ગઝલ. અભિનંદન.

 18. Dhruti modi
  Posted December 4, 2010 at 7:52 pm | Permalink

  સુંદર ગઝલ. સંસ્કૃત શબ્દોની સુંદરતાએ મન મોહી લીધું.

 19. kishoremodi
  Posted December 6, 2010 at 1:29 am | Permalink

  કવિશ્રી ભરતભાઇ અને અાપનો સંવાદ માણ્યો.સાથે હિમાંશુભાઇના વિચાર પણ વાગોળ્યા.દરેકે પોતાની રીતે કવિતામાં ખોજ ચાલુ રાખવી ઘટે એવું મારું નમ્ર મંતવ્ય છે.ગઝલ ગમી વિશેષ શું ?

 20. Harshal
  Posted December 12, 2010 at 12:55 pm | Permalink

  amazing !

  -Harshal

 21. Posted December 12, 2010 at 4:12 pm | Permalink

  સાવ સાચી વાત …. સૌથી મહત્વની પ્રાર્થના એજ હોઈ શકે …. પ્રભુ મને તારામાં શ્રદ્ધા અને અડગ વિશ્વાસ આપજે ….. સર્વેમાં તને નિહાળવાની શક્તિ આપજે …. મારાથી જો ક્યારેક છુટી જાય તોય તું મારો હાથ કદી નવ છોડજે…… !

 22. Narendra Ved
  Posted December 15, 2010 at 4:13 am | Permalink

  વદન છે રાખ-વાદળો ને ડોક અગ્નિની,
  જ્વાળામુખીને કોઈ કંઠી બાંધી નઈ શકે.

  વાહ,સુંદર અભિવ્યક્તિ.

 23. Posted March 15, 2011 at 1:09 am | Permalink

  આપે ગઝલ પર સરસ મંઝિલ બનાવેલ છે,

  ખુબ રચનાઓ મુકો, સમાજની સેવા કરતા રહો.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: