મૂળ ઊંડા જશે તો

♥ પંચમ શુક્લ

મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.

ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
સ્પર્શ સંવેદનાય કયાંય ઊંચે જશે!

પુષ્પની મ્હેક કિવાં સર્પના દંશથી,
રકતનો ચાપ એક માન ઊંચે જશે.

માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
આપણાં યુગ્મનોય ન્યાસ ઊંચે જશે.

ખેર! એ પળ તણીય રાહ પણ ઈષ્ટ છે,
રાહ સંદિગ્ધ છે તો ચાહ
ઊંચે જશે!

૧૭/૯/૨૦૦૯

માન: માપ,

ન્યાસ: ત્યાગ, અર્પણ, મંત્ર અને વિધિ સહિત શરીરનાં જુદાં જુદાં અંગોને દેવતાઓને સોંપવાં તે

(પ્રકાશિતઃ ઉદ્દેશ, ફેબ્રુઆરી ૨૦૧૦)

23 Comments

 1. Posted ફેબ્રુવારી 15, 2010 at 2:38 એ એમ (am) | Permalink

  વાહ ! બહુ સરસ રચના માણવા મળી. આભાર !

 2. vishveshavashia
  Posted ફેબ્રુવારી 15, 2010 at 8:10 એ એમ (am) | Permalink

  ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
  સ્પર્શ સંવેદનાય કયાંય ઊંચે જશે!

  Aha!

 3. Posted ફેબ્રુવારી 15, 2010 at 2:10 પી એમ(pm) | Permalink

  માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
  આપણાં યુગ્મનોય ન્યાસ ઊંચે જશે.
  સન્ગચ્ચ્ત્વમ સંવદધ્વમ…વેદવાક્ય યાદ આવી જાય

  ખુબ ગહ્ન તત્વ્જ્ઞાન સહિતની રચના ખુબ ગમી આપની રચના ઘણી વાર ઊંડો વિચાર માગી લે છે મારા જેવા ભોટ માટે…સમજવા માટે..મારી પાસે તમારા કઠે ગવાયેલ આ રચના છે…

 4. Posted ફેબ્રુવારી 16, 2010 at 5:40 પી એમ(pm) | Permalink

  માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
  આપણાં યુગ્મનોય ન્યાસ ઊંચે જશે.

  વાહ પંચમદા. દિલીપભાઈએ કહ્યું તેમ તમારી રચનાઓ સમજવા બે-તણ વખત વાંચવી પડે છે.

  દિલીપભાઈ જો તમારી પાસે એમના કંઠે ગવાયેલ આ રચના હોય તો બ્લોગ પર મૂકો તો અમે પણ એને માણી શકીએ.

 5. Posted ફેબ્રુવારી 16, 2010 at 11:48 પી એમ(pm) | Permalink

  માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
  આપણાં યુગ્મનોય ન્યાસ ઊંચે જશે….. of so many nice lines I chose the above…Nice Rachana !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Panchambhai…Thanks for your previous visits/comments on Chandrapukar ..Please do REVISIT !

 6. રાકેશ ઠક્કર, વાપી
  Posted ફેબ્રુવારી 17, 2010 at 5:15 એ એમ (am) | Permalink

  nice gazal
  પુષ્પની મ્હેક કિવાં સર્પના દંશથી,
  રકતનો ચાપ એક માન ઊંચે જશે.

 7. himanshupatel555
  Posted ફેબ્રુવારી 18, 2010 at 1:04 એ એમ (am) | Permalink

  પહેલી પંક્તિમાં હોવાની પૂર્વશરત અથવા હયાતિની શક્યતા અને બીજી પંક્તિમાં તેમાંથી જન્મેલી અપેક્ષા અને તે અપેક્ષાઓમાંથી જન્મેલો
  અભીગમ, દરેક શેરને ઋચા સમ મૂકી આપે છે.
  સંદિગધતામાં સંવેદનનો જે ચાપ ઉદ્ભવે છે તેમાં જ ગહ્વર્તા છે.

 8. Posted ફેબ્રુવારી 20, 2010 at 12:58 એ એમ (am) | Permalink

  એક પરિપક્વ વૃક્ષનાં મૂળથીયે ઊડા વિચારોથી અને આભથીયે ઊચી કલ્પનાઓથી ભરેલી એક ઔર સુંદર ગઝલ.

  ગઝલનો મત્લા વાંચતા જ રાજેન્દ્ર શુક્લની નીચેની સોનેટની પંક્તિઓ તરત યાદ આવી ગઇ.

  તાપે તપે ને તપ એનું તેજ;
  ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
  પાસેનું સર્વે રસહીન થાય;
  તો મૂળ ઊંડા અતિદૂર જાય!

 9. Ramesh Patel
  Posted ફેબ્રુવારી 22, 2010 at 4:56 એ એમ (am) | Permalink

  મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
  ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.

  અંદર ઊંડા ઉતરવાથી જ આદ્યાત્મિક રીતે ઊચે જવાય

  એ વિચારને વૃક્ષના માધ્યમથી આપે સહજ રીતે

  નિખાર્યો છે.

  સરસ ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 10. Posted ફેબ્રુવારી 22, 2010 at 5:04 એ એમ (am) | Permalink

  ખેર! એ પળ તણીય રાહ પણ ઈષ્ટ છે,
  રાહ સંદિગ્ધ છે તો ચાહ ઊંચે જશે!

  વાહ.

 11. Posted ફેબ્રુવારી 25, 2010 at 4:07 એ એમ (am) | Permalink

  સંપૂર્ણ એકચિત્તતા ખાસ જરૂરીયાત હોય છે તમારી ગઝલોના હાર્દ કિંવા મર્મ સુધી પહોંચવા માટે- મેં એવું અનુભવ્યું છે!
  ઊંચે જશે, રદિફ અને અકારાંત કાફિયા બન્નેને જે બારિકાઈથી ગુંથ્યા છે…..
  અંદાઝ તો હટ્કે પણ શબ્દો ય એનાથી ય હટકે.
  સરવાળે,
  સાદ્યંત સુંદર રચના બની છે.
  -અભિનંદન.

 12. Posted ફેબ્રુવારી 26, 2010 at 4:31 એ એમ (am) | Permalink

  ઉદ્દેશમાં પણ આપની આ ગઝલ વાંચી.

  દિલીપઅંકલ અને મહેશઅંકલની વાત સાચી છે.કદાચ આજની ગઝલ તો પણ સરળ છે.

 13. Posted માર્ચ 13, 2010 at 4:57 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,
  તમારી રચના વાંચુ તો એક નવો વિચાર માંગી લે આ નવિનતા ફ્ક્ત તમારી રચનામાં જો મળે છે..આ પંકતિઓ સરસ થઈ આમ તો આખી ગઝલ સારી છે ..

  ખેર! એ પળ તણીય રાહ પણ ઈષ્ટ છે,
  રાહ સંદિગ્ધ છે તો ચાહ ઊંચે જશે..

  સપના

 14. Posted માર્ચ 18, 2010 at 5:18 પી એમ(pm) | Permalink

  ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
  સ્પર્શ સંવેદનાય કયાંય ઊંચે જશે!

  અહીં ‘ઊંચે’ ને બદલે ‘ઊંડે’ મુકી જુઓ તો !!

  • Posted માર્ચ 18, 2010 at 6:13 પી એમ(pm) | Permalink

   એમ મૂકવામાં ‘ઊચે જશે’ રદીફ જળવાય નહીં. ગઝલનો મૂળભૂત બાહ્યાકાર સુગ્રથિત રહે નહીં.
   અલબત્ત, એક ભાવક તરીકે ‘ઊંડે જશે’ એમ વાંચવા (કે સમજવા)થી અનુભૂતિ વધુ પુષ્ટ બનતી હોય તો તે યોગ્ય જ ગણાય.

 15. pragnaju
  Posted માર્ચ 21, 2010 at 10:55 પી એમ(pm) | Permalink

  સુંદર
  મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
  ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.

  આધ્યાત્મિક ઉર્ધ્વમૂળ હોય…ઊંડામા આભ સુધી જાય

 16. યશવંત ઠક્કર
  Posted માર્ચ 25, 2010 at 3:17 એ એમ (am) | Permalink

  પંચમજી, અભિનંદન. ગઝલના બંધારણ પર તમારી પકડ તો છે જ. ધારો તો ઘણી રચનાઓ કરી શકો. પરંતુ તમે હંમેશા અનોખું લઈને આવો છો. એમ કરવામાં પણ રચના સાથેનું અંદરનું જોડાણ ગુમાવતા નથી એવું મને લાગે છે. મિત્રોની ચર્ચા થકી પણ ઘણું સમજવા મળે છે.

 17. Posted માર્ચ 27, 2010 at 5:19 એ એમ (am) | Permalink

  તમારા કાવ્યોમાં હું હંમેશા એક પ્રકારનું દર્શન શાસ્ત્ર જોઉં છું,જેમ ગાલીબે ગઝલને એક નવો જ ઉમદા પ્રકારનો મોડ આપેલો બીલકુલ તેવું જ.

 18. Posted એપ્રિલ 16, 2010 at 1:54 એ એમ (am) | Permalink

  સુંદર!

 19. Posted જુલાઇ 27, 2010 at 2:32 પી એમ(pm) | Permalink

  In Botany…If we cut the apical bud then some change can be obtained. Tree can not go up even if the roots go deep. the tree spreads in lateral direction. so applying this fact to feelings.. our lateral development is possible if we stop going up and up towards sky……

 20. Posted ઓગસ્ટ 9, 2010 at 12:38 પી એમ(pm) | Permalink

  .મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
  .ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે..
  આ બે લાઈન મમ્મી નાં મોઢે સાંભળ્યા પછી તો તમારી આ રચના વાંચવા તથા સાંભળવા ખુબજ આતુર હતી..હજી હું રચના સાંભળી શકી નથી પણ આજે વાંચવા મળી ગઈ ..
  ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
  સ્પર્શ સંવેદનાય કયાંય ઊંચે જશે! માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
  આપણાં યુગ્મનોય ન્યાસ ઊંચે જશે…..

  — ખુબજ સુંદર રીતે આપે ….આ ગઝલ માં ઘણું બધું કહી દીધું છે.. વારંવાર વાચવાનું મન થાય એવી રચના છે.

  ઉમાબેન શેઠ.

 21. Posted ઓગસ્ટ 10, 2010 at 5:56 એ એમ (am) | Permalink

  માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
  આપણાં યુગ્મનોય ન્યાસ ઊંચે જશે.


  યાદ આવ્યું:

  “એ બે એક સ્વરૂપ, અંતર નવ ધરશો!
  ભોળા-ભવાનીને (આત્માને અને ઇચ્છાને) ભજતાં ભવસાગર તરશો!”

  વાહ પંચમભાઈ! તમારી શ્રેષ્ઠતર રચનાઓમાં આનું સ્થાન છે.

 22. Posted સપ્ટેમ્બર 10, 2011 at 9:03 એ એમ (am) | Permalink

  ખેર! એ પળ તણીય રાહ પણ ઈષ્ટ છે,
  રાહ સંદિગ્ધ છે તો ચાહ ઊંચે જશે!

  – ટેક્નોલોજીના ઇતિહાસમાં આવું બન્યું છે. જ્યાં લગી આખા ગણિતને લઘુતમ વિચારોમાં બેસાડવા જતા હતા ત્યાં સુધી કોમ્પ્યુટરો નહોતા કે નબળાં હતાં. પછી ગોડેલનું પ્રમેય આવ્યું – કે કોઈ પણ તાર્કિક પ્રણાલિ સ્વયંસુસંગત હોય અને પૂર્ણ હોય તેમ બન્ને સાથે ન બને. [રાહ સંદિગ્ધ બની]
  પછી માર્યો ટેક્નોલોજીએ કૂદકો. [ચાહ ઊંચી ગઈ]


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: