ગઝલ બનતી નથી

♥ પંચમ શુક્લ

બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.

ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.

શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.

તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.

છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.

શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.

મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.

ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.

સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.

અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.

કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.

બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.

શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.

એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.

ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.

સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.

એમ કહીએઃ જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિઃ જગ-તાતથી ગઝલ બનતી નથી!

૧૦/૫/૨૦૦૯

ત્રાતઃ રક્ષણ, બચાવ
અવદાતઃ શ્વેત
વ્રાતઃ સંઘ, સમૂહ
કસ્માત્: શાથી, કયે કારણ
વ્યાત્ત્: ખુલ્લું, ઉઘાડું
સ્યાત્: કોઈ પ્રકાર, કોઈ અપેક્ષા, કોઈ માર્ગ

છંદોવિધાનઃ
ગા લગાગા ગાલગા લગાગા ગાલગા
ગાલગાગા ગાલગા ગાલગા ગાલગા
ગાલ ગાગા ગાલગા લલલલલ ગાલગા

ઓપિનિયન, જૂન 2009

લયસ્તરો, 19 મે 2009


Advertisements

24 Comments

 1. vishveshavashia
  Posted જાન્યુઆરી 15, 2010 at 11:39 એ એમ (am) | Permalink

  સત્તર શેર, ચોત્રીસ કાફિયા અને એ પણ કેવા! શહાબુદ્દીનભાઇના લાભુ મેરઇ કહે તેમ ‘તોડી નાખ્યા, ભુક્કા કાઢી નાખ્યા!’ બહુ મજા પડી!

  I also felt that with kaafiyaas like these, it would have been extremely difficult to avoid ‘chila-chalu’ words. So, pleasantly surprised that even with such a deluge of kaafiyas, words like ‘raat’, ‘naat’ etc are omitted.

  Also, from your earlier writings, I don’t think you are a fan of long Ghazals. This one is a glorious exception, though!

 2. Posted જાન્યુઆરી 15, 2010 at 2:19 પી એમ(pm) | Permalink

  My all time favourit.
  મારી મનપસંદ. ફરીથી વાંચી. ફરીથી મઝા આવી. !

 3. Posted જાન્યુઆરી 16, 2010 at 2:34 પી એમ(pm) | Permalink

  બહોત ખૂબ!
  અકસ્માત સ્ફૂરેલ બે કડી સાદર છે, પંચમ!

  જોઈએ એમાં પ્રભાવ લોહીનો જરા
  માત્ર અકસ્માતથી ગઝલ બનતી નથી

 4. Ramesh Patel
  Posted જાન્યુઆરી 17, 2010 at 3:25 એ એમ (am) | Permalink

  ગાલ ગાગા ગાલગા લલલલલ ગાલગા

  Is it become gazal?…

  Ramesh Patel(Aakashdeep)

  • himanshupatel555
   Posted જાન્યુઆરી 18, 2010 at 11:09 પી એમ(pm) | Permalink

   આ પ્રશ્ન નથી ગઝલની મશ્કરી છે.આ એક કવિનો કવિતા પ્રત્યે વિવેક ચૂક છે,
   અને કવિતા વિશે ઓછી સુઝ અભિવ્યકત
   કરે છે.બાકી નબળાઇઓતો તમારી કવિતામા પણ “ઊંટ્ના અઢાર વાંકા”જેટલી શોધી અપાય !

 5. Posted જાન્યુઆરી 17, 2010 at 6:07 એ એમ (am) | Permalink

  સુંદર રચના…ખુબ મજા આવી..
  અમુક શબ્દો તો મેં પ્રથમ વાર જ વાંચ્યા.નવું શીખવાનું મળ્યું.
  ત્રાતઃ રક્ષણ, બચાવ ..
  પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી. સમજવાનો પ્રયત્ન કરું છુ.
  હવે બીજી રચના ‘ગઝલ કેમ બને છે’ એ વિષય પર?

 6. Posted જાન્યુઆરી 17, 2010 at 3:44 પી એમ(pm) | Permalink

  ‘ગઝલ બનતી નથી રદીફ’ લઈને એક અદભૂત ગઝલ બનાવાવા માટે અભિનંદન અને અમને માણવા મળી એના માટે આભાર. “પંચમ શબ્દભંડોળ” માંથી દર વખતે નવા શબ્દો જાણવાના મળે છે. ઘણી વખત પાંચ શેરની ગઝલમાં છ કાફિયા ગોઠવતાં તકલીફ પડે છે ત્યારે ચોત્રીસ કાફિયાની કરામાત કાબિલે-તારીફ છે.

 7. himanshupatel555
  Posted જાન્યુઆરી 18, 2010 at 3:01 એ એમ (am) | Permalink

  આતો પેલા ઉપનીષદ જેવું થયું-નેતિ નેતિ
  કહેતા સાક્ષાત્કાર થઇ ગયો.

 8. Posted જાન્યુઆરી 18, 2010 at 6:06 એ એમ (am) | Permalink

  ખુબ જ સરસ,જગદીશભાઈની વાત સાચી છે આપ તો શબ્દો ના ભંડાર છો. તમારી રચના લાંબી હોવા છતાં તેનો લય ચૂકતી નથી તે માટે તમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછા પડે. આ ગઝલ ને વાંચીને દિલ વાહ વાહ પોકારી ગયું!!

 9. bhattji
  Posted જાન્યુઆરી 18, 2010 at 6:41 એ એમ (am) | Permalink

  હું પોતે જ શીખઉ છું એટલે એટલું જ કહી શકું છું કે
  બે ત્રણ છંદ વિધાનો નો પ્રયોગ અને ખુબ જ ઉંચા અર્થો ભર્યા શબ્દો માર માટે માઇલ સ્ટોન બની રહેશે.

 10. pragnaju
  Posted જાન્યુઆરી 18, 2010 at 7:01 એ એમ (am) | Permalink

  સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
  પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.

  એમ કહીએઃ જાતથી ગઝલ બનતી નથી,
  એમ નહિઃ જગ-તાતથી ગઝલ બનતી નથી
  સરસ
  આ નકારાત્મક પધ્ધતિ ઘણાએ વર્ણવી છે પણ તેમની હકારાત્મક પંક્તીઓ
  માણીએ

  તું પ્રથમ પરંપરામાં પળીને ગઝલ લખ,
  મેઘદૂત વાંચીને વાદળીને ગઝલ લખ.

  વાતચીત શી સરળ ગઝલ ગૂંથી શકાશે,
  ઢળ જરાક તુંય છંદે ઢળીને ગઝલ લખ.

  આધુનિક જણાય,પણ હોય ભીતર અસલ-
  એવી અનૂઠી કો તરજ પર લળીને ગઝલ લખ.

  કાફિયા, રદીફ ને ગઝલિયત ઠીક છે, પણ-
  સાદ તારો કાન દઈ સાંભળીને ગઝલ લખ.

  ખૂબ ચાવી ચાવીને પી જજે દર્દ કકરું,
  ‘આહ’માં જ ‘વાહ’ શું ઓગળીને ગઝલ લખ.

  પ્રેમરસ ને ભક્તિરસ બેય થી જા ધરાઈ-
  ખૂબ, ત્યારે સહેજ બસ ટળવળીને ગઝલ લખ.

 11. Posted જાન્યુઆરી 18, 2010 at 10:58 એ એમ (am) | Permalink

  good one.. enjoyed again !!

 12. Posted જાન્યુઆરી 19, 2010 at 7:05 પી એમ(pm) | Permalink

  બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
  સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.

  સરસ ગઝલ બની ગઈ,,,પણ ખબર નહીકેમ એમ લાગે સ્પંદના ઉત્પાતથી ગઝલ બને..ખુબ મજા આવી ગઝલ વાંચવાની…હુ તો કહુ એક શબ્દ પ્રેમ આપો અને મનમા એની છબી આપો આ થઈ ગઝલ કે કવિતા….
  સપના

 13. Posted જાન્યુઆરી 20, 2010 at 5:07 એ એમ (am) | Permalink

  Panchambhai….Late to read this one ! I am only a child in “Gazal or Kavya Rachano”but I feel the “clever use” of Words in each line….A deeper message to those who write “Gazals”….Hadaybhavo can play a part, I think ! But who am I to say that ?
  Dr.Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Thanks,Pacham, for your visits/comments on my Blog…My Kavya Rachano were not “great”yet you “read” my Hradaybhavo & encouraged me !

 14. Ramesh l Patel
  Posted જાન્યુઆરી 23, 2010 at 4:49 એ એમ (am) | Permalink

  શ્રી હીમાંશુભાઈ, એક વાત સ્પષ્ટ કરું કે

  શ્રી પંચમભાઈ પાસેથી મનેતો ઘણી વખત દોરવણી મળેછે,અને તેમની ગઝલની

  તમે કહ્યું તે મુજબ’ નેતી ‘ના તેમના તાલને વધાવ્યો છે અને

  વ્યંગભરી રીતે shri Panchambhai ને પૂછવાનું મન કર્યું અને અધ્યાહાર રહેલા આ ભાવ

  બાબતથી ગૂંચવાડો ઉદ્ભવ્યો હોયતો દરગુજર કરશો.મને તો ફરીથી

  મુલાકાત લેતાં હમણાંઅં જ ખબર પડી,તેથી જવાબમાં વિલંબ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 15. Posted જાન્યુઆરી 25, 2010 at 12:37 પી એમ(pm) | Permalink

  ખુબ જ સુંદર ગઝલ પંચમભાઇ

  હજી તો હું ઘણું બધું શીખુ છું સમજો કે હું તો હજી પા પા પગલી કરી રહ્યો છું ગઝલમાં

  આપના દરેક અભિપ્રાયે મને ઘણું બધું શીખવા મળ્યુ છે.

  તો ફરી એકવાર મારા બ્લોગમાં પધારવા આપને આમંત્રણ છે.

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

 16. Posted જાન્યુઆરી 30, 2010 at 3:38 એ એમ (am) | Permalink

  વાહ! અમે પણ ઘણી કોશિશ કરીએ છીએ પણ આવી ઉમદા ગઝલ બનતી નથી! ‘કેમ ગઝલ બનતી નથી’ એના કારણો આપ્યા હવે ‘કેમ બને’ એની કળ આપો તો કાઇ અમારા જેવાનો મેળ પડે!

 17. Posted જાન્યુઆરી 30, 2010 at 12:27 પી એમ(pm) | Permalink

  વાહ ! સુંદર ગઝલ થઈ છે પંચમભાઈ !

  સંવેદનો હંમેશા છંદના વાડાથી ઉભરાયા છે.

  ગઝલ બનતી નથી…જાતથી જગ-તાતથી
  સાચી વાત છે ગઝલ તો સર્જાય છે અકસ્માતથી…

  અભિનંદન !

 18. Posted જાન્યુઆરી 30, 2010 at 1:51 પી એમ(pm) | Permalink

  1.આ ભાષા સત્યાગ્રહ છાવણીથી લંડન સુધી વિસ્તરી છે.. સારું છે તમે ડિક્ષનરી સાથે મુકો છો..
  2.નેતિ નેતિનો સિદ્ધાંત યાદ આવી ગયો.. હવે જરુર ‘ગઝલ બને છે’ ની ગઝલ આપો
  3.કેમ કે ‘અમારાથી તો આમેય ગઝલ થતી નથી’…
  લતા હિરાણી

 19. Posted જાન્યુઆરી 31, 2010 at 12:58 એ એમ (am) | Permalink

  આનંદ સાથે શીખવા મળ્યુ. આભાર !

 20. Posted જાન્યુઆરી 31, 2010 at 2:06 એ એમ (am) | Permalink

  આખી ગઝલ માણી…અદભૂત…ઉપર લતાબેને કહ્યું છે તેમ હવે ગઝલ જરૂર બને છે..એ ચોક્કસ લખો..

  તમારું શબ્દ ભંડોળ બાપ રે…! ઘણાં શબ્દો અમને પણ શીખવા મળે છે.
  દરેક શેર ખૂબ સરસ બન્યા છે.. અભિનંદન…

  ધ્રૂવને ગુજરાતી શીખડાવજો હોં…

 21. SARYU PARIKH
  Posted ફેબ્રુવારી 1, 2010 at 2:42 એ એમ (am) | Permalink

  Panchambhai,
  teasure.
  aa gazal vaaMchataa ghaNaa nava shabdo shIkhavaa malyaa.
  “tahekikaat” meanung jaNaavasho!
  http://www.saryu.wordpress.com

 22. Posted માર્ચ 4, 2010 at 11:22 એ એમ (am) | Permalink

  બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી

  વાહ !

 23. Posted માર્ચ 14, 2010 at 10:28 એ એમ (am) | Permalink

  મારું બેટું,

  જેટલી વાર આ વાંચું છું
  નવું-નવું કેમ લાગે છે.

  “માનવ”


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: