નીલતંદ્રા મહીં

♥ પંચમ શુક્લ

નીલતંદ્રા મહીં સ્વપ્નનું પદ્મ છું,
શૂન્ય અવકાશમાં સંચર્યું પક્ષ્મ છું.

હું સમંદર નથી પણ સતત ઘૂઘવું,
કોઈ પેટાળનું વણજડ્યું અશ્મ છું.

કલરવું જે પ્રભાતે અને સાંજના,
એજ મધ્યાહ્નના સૂર્યનું નગ્મ છું.

કોઈની કાલ તો કોઈની આજ છું,
ભવ, પુનર્ભવ સકળનો પુર્નજ્ન્મ છું.

થઈ સમિધ યજ્ઞનું તપ્ત કાંચન તપું,
ઝળહળું ક્ષણ અને ક્ષણ પછી ભસ્મ છું.

૧૭-૧૨-૯૩

છંદ-વિધાનઃ ગાલગા ગાલગા ગાલગા ગાલગા

મત્લાના સાની મિસરામાં ફેરફાર મારી ગઝલોના સહૃદયી ભાવક અને વડીલ મિત્ર શ્રી  જયેશભાઈ ઉપાધ્યાયને અર્પણ.  અગાઉ સાની મિસરો આ મુજબ હતો: મ્હેંક મોતી મઢ્યું માનસર પક્ષ્મ છું. (૧૬/૬/૦૯)

Advertisements

5 Comments

 1. pragnaju
  Posted ઓક્ટોબર 1, 2008 at 1:25 પી એમ(pm) | Permalink

  નીલતંદ્રા, વણજડ્યું અશ્મ, સૂર્યનું નગ્મ, ભવ, પુનર્ભવ, સમિધ
  જેવા શબ્દો તેના ગૂઢ અર્થો સહિત ચીંતન-મનન કરતા સહજ પ્રસન્નતા અનુભવાય.
  શબ્દ સુંદર અને અર્થ પણ સુંદર ! પણ કહેવું કઠિન છે કે કોણ અધિક સુંદર છે? શબ્દ અને અર્થની સ્પર્ધા તે જ સહિત ભાવ છે. સહિતનો ભાવ સાહિત્યનો ધર્મ છે. આજ મનુષ્ય સમાજની પાયાની વાત છે તેથી તે અન્યના સુખ-દુઃખમાં શામિલ થાય છે અને બીજાને પણ પોતાના સુખ-દુખના સાથીદાર બનાવે છે અને તે દુનિયા સુંદર બનાવવા માંગે છે. પરસ્પરતાના આ વાતાવરણમા પ્રસંગવશ જે પેદા થાય છે તેને સાહિત્યની સંજ્ઞા અપાય છે. મનુષ્યની કોઈ વાણી સમાજમાં પરસ્પરતાનો આ ભાવને મજબૂત બનાવે તેને સાહિત્ય કહેવાય છે.
  અ ને
  થઈ સમિધ યજ્ઞનું તપ્ત કાંચન તપું,
  ઝળહળું ક્ષણ અને ક્ષણ પછી ભસ્મ છું.
  એ યજ્ઞની પવિત્ર અને તેજસ્વી અગ્નિશીખા
  પછીની ક્ષણમા ભસ્મ જ સાર્થકતા છે…

 2. Posted ઓક્ટોબર 2, 2008 at 12:37 પી એમ(pm) | Permalink

  હું સમંદર નથી પણ સતત ઘૂઘવું,
  કોઈ પેટાળનું વણજડ્યું અશ્મ છું.

  થઈ સમિધ યજ્ઞનું તપ્ત કાંચન તપું,
  ઝળહળું ક્ષણ અને ક્ષણ પછી ભસ્મ છું.

  આ શેર બહુજ ગમ્યા અને જો પ્રમાણીકપણે કહું તો પહેલા શેર માં કશીજ ગતાગમ ન પડી

 3. Posted ઓક્ટોબર 10, 2008 at 6:15 એ એમ (am) | Permalink

  કોઈની કાલ તો કોઈની આજ છું,
  ભવ, પુનર્ભવ સકળનો પુર્નજ્ન્મ છું.

  થઈ સમિધ યજ્ઞનું તપ્ત કાંચન તપું,
  ઝળહળું ક્ષણ અને ક્ષણ પછી ભસ્મ છું.

  શબ્દવૈભવ અને અર્થવૈભવથી છલોછલ !!

 4. Posted ઓક્ટોબર 13, 2008 at 6:52 એ એમ (am) | Permalink

  સુંદર રચના… ગંભીર અને સમજવી થોડી અઘરી પડે એવી પણ મજાની…

 5. urja
  Posted ડિસેમ્બર 29, 2008 at 3:26 એ એમ (am) | Permalink

  very nice creation!!!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: