કહો કેમ રહે ભેજું ઠેકાણે?

 ♥ પંચમ શુક્લ

તુણાઇ જઇને તાણે તાણે વણાઇ જાતું વાણે વાણે,
અંતર ના કૈં અંતર જાણે, કહો કેમ રહે ભેજું ઠેકાણે?

ખાખરખોલી ખિસકોલીઓ બેઠી બેઠી સાકર ઠોલે,
ફૂલ ફાતડી મધમાખીઓ  મબલક ઠેકે પણ ના ઠાણે,
અંતર ના કૈં અંતર જાણે, કહો કેમ રહે ભેજું ઠેકાણે?

ધરતીમાંથી ડૂંડા ઊગે, ડૂંડે ડૂંડે ચકલા ઊડે,
ચાંચે ચાંચે ચૂંથાવાનું, દંડાવાનું દાણે દાણે,
અંતર ના કૈં અંતર જાણે, કહો કેમ રહે ભેજું ઠેકાણે?

કોઠ-કોચલાં નાળિયેરનાં શંકરના હોઠે ફૂટે ને,
ગૌર-છોળને ગટ ગટ પીતાં નંદિ પ્રગટે પાણે પાણે,
અંતર ના કૈં અંતર જાણે, કહો કેમ રહે ભેજું ઠેકાણે?

ગૌવિદ્યા

 ♥ પંચમ શુક્લ

ગોચરો ચાવીને
ગૌવિદ્યા તણાં
જ્ઞાનને દાંતમાં દાબીને
પંડિતો આવતાં પાંજરાપોળમાં,

ને કરે ગાયની પરકમા પ્રેમથી,
કંકુ તિલક કરે, ભાલ અક્ષત ધરે,
આરતી ફેરવે,
હાર ફૂલો તણો ડોક્માં સેરવે,
ફૂંકથી અંજલિ આપતાં કોટિ મંત્રો ભણે.

રોજની વજ્ર ઘટમાળ આ જોઈને,
આમરણ ગાયસેવા તણો
બ્રહ્મઆદેશ લઇ કોઢમાં જીવતાં
કોઢિયા શૂદ્રને એકદી થાય કે-

બે ઘડી લોક આ
સાવ મૂંગા રહી, સહેજ વાંકા વળી
હાથથી વાંઝિયા આઉ પસવારતા
બે બગાઈ ધીરેથી ઊડાડી અને
જો બચાવી શકે એક ટીપુંય આ ગાયનાં લોહીનું,

કોઢિયો ના રહું,
શૂદ્ર હું ના રહું!

પ્રગટે ધગશ એની તરફ

 ♥ પંચમ શુક્લ

મીટ મંડાઇ ગઈ બસ એકટશ એની તરફ,
આ તરફ સંપૂર્ણ શ્રધ્ધા, કશ્મકશ એની તરફ.

આગમાં બળતો પવન તો ક્યાંક જઇ ઠરતો રહે,
ધૂમ ઊઠે આ તરફ, કાજળની મશ એની તરફ.

પર્વતો નીતર્યાં કરે કૈં નીર ખળખળ ખીણમાં,
કુંભ ભરચક આ તરફ છલકે કળશ એની તરફ.

ના અવશ કૈં યે અહીં કે ના વિવશ કૈં યે ત્યહીં,
વશ થઈને ચોતરફ વેરાય ક્ર્શ (crush) એની તરફ.

ટસ-કે-મસ ના આ તરફ, ના કૈં જ રશ (rush) એની તરફ,
માત્ર ધીરજ આ તરફ, પ્રગટે ધગશ એની તરફ.

આશ્લેષ છે નવો

 ♥  પંચમ શુક્લ

અનિમેષ આ આંખનો ઉન્મેષ છે નવો,
હર દૃષ્યમાં દૃષ્ટિનો પરિવેષ છે નવો.

છે શૂન્યમાં પૂર્ણ એ સંપૂર્ણ શૂન્ય છે,
નિઃશેષમાં શેષ છે, અવશેષ છે નવો.

ઉચ્છવાસનો, શ્વાસનો સંચાર છે નવો,
અનુભવ નવો સ્પર્શનો, લવલેશ છે નવો.

નિર્બોધ સંવાદ, પ્રત્યાયન નવીન છે,
અતિમૂઢ માધ્યમ સ્વયં સંદેશ છે નવો.

અતિરેક આનંદનો, આવેશ છે નવો,
આ અષ્ટભૂજા અહો! આશ્લેષ છે નવો.

શ્વાસોને સોંપ્યું!

 ♥ પંચમ શુક્લ

શ્વાસોને સોંપ્યું,
શ્વાસોને સોંપ્યું!

ભીતરથી ઊમટતું અંધારું ભીનું
ભીની ભીની પાંપણની ક્યારીમાં રોપ્યું.
શ્વાસોને સોંપ્યું!

સાતે જનમની કંકાવટીઓમાં
થીજ્યું ગુલાલ લાલ લોહીમાં લોપ્યું.
શ્વાસોને સોંપ્યું!

અક્ષતની આણે, જાણે બાણાવળીને વીંધી
મનનુ ધનુષ મન કોપ્યું.
શ્વાસોને સોંપ્યું!

ચાંદામામાનું દીધું તેજપતાસું ચગળી
નભના અમરતને કંઠે ગોપ્યું.
શ્વાસોને સોંપ્યું!

ચંદ્રથી દડી

 ♥ પંચમ શુક્લ

ચંદ્રથી દડી, કીડી પડી ભોંય,
(જાણે) ખેંચતી ધરા ના જોરથી હોય!

***

મુદ્રિકા ધરીને તર્જની સોહ્ય,
એટલે કનિષ્ઠા કૈં જ ના ખોય!

***

મિત્ર, અગ્નિ, ઇન્દ્રો, રૂદ્ર વા સોમ,
અશ્વિનો દૃશ્ય ત્યાં સર્વ સંમોહ્ય!

***

ખૂટતો નથી આ કલ્પના દોર,
કેટલું પરોવે શબ્દની સોય?

છેલ છીડક યૂં છાંટી છાંટી

 ♥ પંચમ શુક્લ

દોરી લાલ હરી રંગાટી,
કાટે પવન પતંગા કાટી.

ઉડનખટોલા ઉડ ઉડ ચલ અબ,
ચલ સીધા યા ચલ ઉફરાંટી.

અકડ અકડ મત ખીંચ પહનવા,
તૂટ રહી સૂતર કી આંટી.

કામ તમામ નીકલ કર કરકે,
ઘેન ઘીરા ઘોરે ઘરઘાટી.

બેબસ બાંતાં રખ દે દબદી,
છેલ છીડક યૂં છાંટી છાંટી.

પૂર્વી હો કે પ્રાચી હો

 ♥ પંચમ શુક્લ

પૂર્વી હો કે પ્રાચી હો,
સૂર્યરશ્મિ હર સાચી હો!

સુમિરન સુમિરન

 ♥ પંચમ શુક્લ

તર્યાં વગર પણ તરણ મળે છે,
સુમિરન સુમિરન સ્મરણ મળે છે.

ઠેકી ઠેકી ઠરડાયું મન,
નિશ્ચલ, ચંચલ હરણ મળે છે.

ક્ષણે ક્ષણે ઊંડું ઊતરતું,
કાળ રહિત કો કળણ મળે છે.

પરશુની ધારે કોરેલું,
ગૌમુખી ગોકરણ મળે છે.

ખુદને ખુદનું શરણ મળે છે,
એકાકી અવતરણ મળે છે.

મે ૨૦૦૭

એ કોણ છે

 ♥  પંચમ શુક્લ

બરકે છે બારણાં બંધ કરીને,
ને ઊભો રહે છે ઊંબરે એ કોણ છે?
ઊંબરે એ કોણ છે?

ધમકાવે ધાણીફૂટ રોફ જમાવી,
કાલાવાલા કરી કરગરે એ કોણ છે?
કરગરે એ કોણ છે?

(બાકીની કડીઓ આવે ત્યારે ખરી!)