♥ પંચમ શુક્લ
રાત આખી પાણી આડે પાળ બાંધીએ,
ને સવારે મોજથી હોડી તરાવીએ!
પેટછૂટી વાત હો તો પેટ ખોલીએ,
પેટ સહુનું પાળીએ- ક્યાં પેટ ચોળીએ?
કોણી મારીને ભલે કુલડી બનાવીએ,
ઘી ના ઠામે ઘી ઢળે એવું જ ઢોળીએ!
ખપ પડે, શબ્દોય ઉછીના લાવી બોલીએ,
કોને કોને આપણી ભાષા ભણાવીએ?
સાંભરે! તો પ્રેમથી બંસી બજાવીએ,
અન્યથા યમુના તટે ગાયો ચરાવીએ!
૧૮/૫/૨૦૦૯
છંદ-વિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગા