Daily Archives: August 16th, 2007

સમજાય છે

 ♥ પંચમ શુક્લ
પાનખરમાં વૃક્ષની બાંધણી સમજાય છે,
તારકોની ચંદ્ર વિણ માંડણી સમજાય છે.
જળ, સકળ સ્થળ, આભના ગર્ભમાં છે શૂન્યતા,
સ્થૂળ નશ્વર પિંડને વાંઝણી સમજાય છે.
પાંપણો થંભી ગઇ, દૃશ્ય પણ અટકી ગયું,
એક અપલક નેત્રને આંજણી સમજાય છે.
સાવ ઝીણી વાત લ્યો તુર્ત પ્રસ્ફુટ થાય છે,
તોલતાં તલભાર આ ટાંચણી સમજાય છે.
પોઠ ઠલવાઇ ગઇ આખરી અનુપ્રાસની,
કો અજાચી મૌનની માંગણી સમજાય છે.