♥ પંચમ શુક્લ
ગોચરો ચાવીને
ગૌવિદ્યા તણાં
જ્ઞાનને દાંતમાં દાબીને
પંડિતો આવતાં પાંજરાપોળમાં,
ને કરે ગાયની પરકમા પ્રેમથી,
કંકુ તિલક કરે, ભાલ અક્ષત ધરે,
આરતી ફેરવે,
હાર ફૂલો તણો ડોક્માં સેરવે,
ફૂંકથી અંજલિ આપતાં કોટિ મંત્રો ભણે.
રોજની વજ્ર ઘટમાળ આ જોઈને,
આમરણ ગાયસેવા તણો
બ્રહ્મઆદેશ લઇ કોઢમાં જીવતાં
કોઢિયા શૂદ્રને એકદી થાય કે-
બે ઘડી લોક આ
સાવ મૂંગા રહી, સહેજ વાંકા વળી
હાથથી વાંઝિયા આઉ પસવારતા
બે બગાઈ ધીરેથી ઊડાડી અને
જો બચાવી શકે એક ટીપુંય આ ગાયનાં લોહીનું,
કોઢિયો ના રહું,
શૂદ્ર હું ના રહું!
3 Comments
નવો નક્કોર વીચાર.લય પણ સરસ છે.
ખુબ સરસ કાવ્ય અને વર્તમાન આપણો ગુજરાતી સમાજ આંમાથી ક’ઈક શીખ લઈ દંભી કથાકારો કે જે આજે સંત થઈ બેઠા છે ને એની માયાજાળમાંથી મુક્ત થાય.
gnanne danyma dabine,
pandito avta panjarapolema !
sanatan satya !Abhinandan !
Post a Comment